ખુદ ફરિયાદીએ જ સ્વીકાર્યુ કે આરોપીને કોઇ નાણાંકીય લાભ મળ્યો નથી
Updated: Dec 31st, 2023
વડોદરા,રાજમહેલ રોડ પર આવેલી ધી બરોડા પીપલ્સ કો.ઓ.બેંક લિ.ના તત્કાલીન એકાઉન્ટન્ટ અને મેનેજર સામે વર્ષ – ૨૦૦૫ માં થયેલી ફરિયાદ પુરવાર કરવામાં પોલીસ અને બેન્ક નિષ્ફળ નીવડી છે.
બેંકના તત્કાલીન મેનેજર અને એકાઉન્ટન્ટ સામે રાવપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદની વિગત એવી છે કે, મેનેજર દ્વારા તા.૨૭ – ૧ – ૧૯૮૬ થી તા.૧૩ – ૦૨ – ૧૯૯૨ દરમિયાન ૨૫ એફ.ડી.ધારકોની એફ.ડી.ની સામે તેઓની જાણ બહાર તેઓના નામની ધિરાણ મેળવવાની અરજીઓ તથા પ્રોમિસરી નોટ તૈયાર કરી બનાવટી સહીઓ કરી બેંકમાંથી ૧૯.૧૮ લાખની લોન લઇ અંગત ઉપયોગમાં લઇ વાપરી નાંખી હતી. તેમજ પુરાવાનો નાશ કરીને બેંકને આર્થિક નુકસાન કર્યુ હતું.
મેનેજર તરફી વકીલ એસ.એચ.પટેલે કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે, આક્ષેપિત બનાવ બેન્કમાં જ બન્યો હોવા છતાંય ફરિયાદ પક્ષ દ્વારા બેંકિંગને લગતા ટ્રાન્ઝેક્શનના કોઇ પુરાવા રજૂ કરવામાં આવ્યા નથી. મૂળ ફરિયાદી હસમુખભાઇ ચીમનભાઇ પટેલે ઉલટ તપાસમાં જણાવ્યું હતું કે, આક્ષેપિત બનાવથી બેંકને કોઇ નુકસાન થયું નથી તેમજ આરોપીને કોઇ નાણાંકીય લાભ થયો નથી.ફરિયાદ પક્ષ સમગ્ર કેસને સાબિત કરવામાં નિષ્ફળ નીવડયો હતો.