વડોદરા : બે વર્ષ પહેલા ફતેગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા મેફેડ્રોન જેવા નશીલા પદાર્થ વેચવાના ગુનામાં નવો વળાંક આવ્યો છે. આ કેસ વડોદરાની સેશન્સ કોર્ટમાં ચાલી જતા રેકર્ડ ઉપર એવી વાત આવી છે કે આખો કેસની સ્ક્રિપ્ટ એસઓજી પોલીસ મથકની અંદર જ લખાઇ હતી અને સ્થળ ઉપર કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. એટલે હવે સવાલ એ ઊભો થયો છે કે આ મામલામા પોલીસે કહેવાતા આરોપીઓને ફસાવા માટે ષડયંત્ર રચ્યુ હતું કે પછી પોલીસની બેદરકારીના કારણે આવી સ્થિતિ આવી છે.
તા.૨૨ એપ્રિલ ૨૦૨૨ના રોજ ફતેગંજ પોલીસે નિઝામપુરા ડેપોની પાછળ અરવિંદ સોસાયટીમાં દરોડો પાડીને મેફેડ્રોન, એમ્ફેટામાઇન અને મેથામ્ફેટામાઇન મળીને ૬૬.૨૯ ગ્રામ ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો હતો જેની કિંમત ૬.૬૨ લાખ પોલીસે નક્કી કરી હતી. આ કેસમાં ડ્રગ્સ ખરીદવા આવેલા એક સહિત કુલ ૩ આરોપીઓની એનડીપીએસ એક્ટ હેઠળ ધરપકડ થઇ હતી જેમાંથી એક આરોપી પંચમહાલનો હતો.
આ કેસ કોર્ટમા ચાલી જતા બચાવ પક્ષ એ સાબિત કરવામાં સફળ થયો છે કે આ કેસમાં પંચનામુ કઇ જગ્યાએ,કઇ તારીખે કેટલા વાગ્યે કરવામાં આવ્યુ, બાતમી કઇ જગ્યાએ મળી, રેડ પાડી ત્યારે ગયેલા પોલીસ જવાનો ફરજ ઉપર હતા કે નહી જેવા બાબતો પુરવાર કરવામાં પોલીસ નિષ્ફળ ગઇ છે અને પોલીસે કબુલ કર્યુ છે કે તમામ કાર્યવાહી એસ.ઓ.જી.માં બેસીને તૈયાર કરેલ છે અને સ્થળ પર કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. મહત્વની વાત તો એ છે કે આરોપીઓને કઇ જગ્યાએથી અને કેટલા વાગ્યે પકડયા તે પણ પુરવાર થયુ નથી.