Vadodara M S University : એમ.એસ.યુનિવર્સિટીમાં લાખોના ખર્ચે બનાવવામાં આવેલું સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર ઈન્ડિયન નોલેજ સિસ્ટમ 6 જ મહિનામાં ધૂળ ખાતું થઈ ગયું છે.
મળતી વિગતો પ્રમાણે યુનિવર્સિટીના પ્રેસની પાછળ આવેલા બિલ્ડિંગમાં શરૂઆતમાં ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની કચેરી શરૂ કરવામાં આવી હતી. યુનિવર્સિટી પાસેથી બોર્ડે આ બિલ્ડિંગ ભાડે લીધું હતું. એ પછી ગાંધીનગરમાં બોર્ડની નવી કચેરી બની હતી. આમ છતા બિલ્ડિંગ બોર્ડની પાસે હતું. 54 વર્ષ બાદ 2022માં આ બિલ્ડિંગનો કબ્જો બોર્ડ દ્વારા યુનિવર્સિટીને પાછો સોંપવામાં આવ્યો હતો.
યુનિવર્સિટીમાં નવી શિક્ષણ નીતિનો અમલ થયા બાદ ગત વર્ષે તત્કાલિન વાઈસ ચાન્સેલર ડો.શ્રીવાસ્તવે આ બિલ્ડિંગને રિનોવેટ કરાવીને તેમાં સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર ઈન્ડિયન નોલેજ સિસ્ટમ શરૂ કરવાનો નિર્ણય લીધો હતો. રિનોવેશન પાછળ 8 થી 10 લાખ રૂપિયા ખર્ચાયા બાદ આ પ્રોજેકટનું લગભગ બાળમરણ થઈ ગયું છે. સરકારને પ્રભાવિત કરવા માટે યોગ્ય આયોજન વગર શરૂ કરાયેલા આ સેન્ટરને માત્ર એક વખત આરએસએસના એક આગેવાનને બતાવવા માટે ખોલવામાં આવ્યું હતું. એ પછી સેન્ટરના તાળા ખુલ્યા નથી.
ડો.શ્રીવાસ્તવની તો વાઈસ ચાન્સેલર તરીકે વિદાય થઈ છે ત્યારે હવે આ સેન્ટરનું ભાવિ અંધકારમય દેખાઈ રહ્યું છે. જે ઓનલાઈન સર્ટિફિકેટ કોર્સ શરૂ કરાયા હતા તે પણ કાગળ પર ચાલી રહ્યા છે. આમ યુનિવર્સિટીનો લાખોનો ખર્ચ માથે પડયો છે.