વડોદરા શહેરના હાથીખાના પાસેની રામદેવપીરની ચાલી ખાતે વર્ષ 2021 દરમ્યાન ફરિયાદી યુવતીની છેડતી બાદ યુવતીના માતાપિતાએ આરોપીને ઠપકો આપવાની અદાવત રાખી યુવતીના પિતાની હત્યા કેસમાં અદાલતે આરોપીને કસૂરવાર ઠેરવી આજીવન સખત કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે.
ફરિયાદીના માતાને છાતીમાં દુખાવો થતો હોય 17 માર્ચ 2021 ના રોજ રાત્રિના 11:00 વાગ્યાના સુમારે મહિલા સંબંધી ફરિયાદીના ઘરે ખબર કાઢવા માટે પહોંચ્યા હતા. ત્યારબાદ ફરિયાદી અને તેમની બહેન સંબંધીને રસ્તા સુધી મૂકવા માટે ગયા હતા. તે સમયે આરોપી આરોપી વરૂણ ઉર્ફે અરુણ મહેન્દ્રભાઈ પટેલ (રહે- રામદેવ પીરની ચાલી, હાથીખાના ,કારેલીબાગ) એ ફરિયાદીને તું મને મળ મારે તારું કામ છે તેમ કહેતા ફરિયાદીએ આ બાબતની જાણ માતા-પિતાને કરતા ફરિયાદીના માતા પિતા આરોપીના ઘરે આરોપીને પત્નીને બનાવ અંગે જણાવવા ગયા હતા. ત્યારબાદ આરોપી તેના હાથમાં ચાકુ લઈ ફરિયાદીના ઘરમાં ઘૂસી જતા ફરિયાદીના પિતા પોતાનો જીવ બચાવવા ઘરની બહાર દોડી ગયા હતા. આ દરમિયાન આરોપી ફરિયાદી ના પિતાને ચાકુ વડે પેટના ભાગે ઘા મારી નાસી છૂટ્યો હતો. તેમને તાત્કાલિક સયાજી હોસ્પિટલ ખસેડાતા ફરજ પરના તબીબો એ મૃત જાહેર કર્યા હતા. ફરિયાદના આધારે પોલીસે હત્યા અને એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધ્યો હતો. જે અંગે સ્પેશિયલ જજ એટ્રોસિટી કેસ રાજેન્દ્ર એચ. પ્રજાપતિની અદાલતમાં સુનાવણી હાથ ધરાઈ હતી.આરોપીનું વિશેષ નિવેદન નોંધવામાં આવતા આરોપીએ પુરાવાની તમામ હકીકતોનો ઇનકાર કરી જણાવેલ કે પોતાના બચાવમાં તેઓ સાક્ષીને તપાસવા કે સોગંદ પર જુબાની આપવા માંગતા નથી પોતે નિર્દોષ છે અગાઉના ઝઘડા ની અદાવત રાખી ખોટી ફરિયાદમાં સંડોવી દીધેલ છે. આરોપી પક્ષ તરફે ધારાશાસ્ત્રી બી.જે.ગીલ દલીલો કરી હતી કે, આરોપી નાની વયના હોય તેમના માથે પત્ની માતા અને બાળકીની જવાબદારી છે. કોઈ રીઢા ગુનેગાર નથી. વગેરે બાબતો ધ્યાને લઈ ઓછામાં ઓછી સજા થવી જોઈએ. ફરિયાદ પક્ષ તરફે સ્પેશિયલ ધારાશાસ્ત્રી એપીપી ડી.જે. નાળિયેરવાળાએ દલીલો કરી હતી કે, આરોપીને માતા પિતા ઠપકો આપવાની અદાવત રાખી હત્યા કરી છે. સમાજમાં જ દાખલો બેસે તેવી અને અન્ય ગુનેગારો આ પ્રકારના ગંભીર ગુના કરતાં અટકે તેવી મહત્તમ સજા થવી જોઈએ. અદાલતે નોંધ્યું હતું કે, મૃતકના ઈજા બાબતે અને મૃત્યુના કારણ અંગે બચાવ પક્ષ દ્વારા ઉલટ તપાસ દરમિયાન સ્પષ્ટપણે પડકારવામાં આવેલ નથી. મેડિકલ ઓફિસરે જણાવેલ ઈજા મરણ જનારનું મૃત્યુ નીપજાવવા માટે પૂરતી હતી. આમ પેટના ભાગે થયેલ ઇજાના કારણે થયેલ રક્તસ્ત્રાવ અને આઘાતના કારણે મૃત્યુ થયું હોવાનું ફલિત થાય છે. દેવજીભાઈ સોલંકી નું મૃત્યુ કુદરતી નહીં પરંતુ સાપરાધ મનુષ્ય વધ છે. બચાવ પક્ષે એવું પણ સૂચન કર્યું હતું કે આરોપી નશાની હાલતમાં હતો જેનો ફરિયાદી એ સ્વીકાર કરેલ છે. બચાવ પક્ષ બનાવ સ્થળે આરોપીની હાજરીનો ઇનકાર કરતા નથી. આ કેસમાં નજરે જોનાર, ફરિયાદી ,સાક્ષી, , તબીબ ,પોલીસ સહીત 26 સાક્ષી અને પંચનામુ, કપડા, હથિયાર, એફ એસ એલ, સહિત 35 દસ્તાવેજી પુરાવા રજુ કરાયા હતા. બને પક્ષોની દલીલો અને પુરાવા ધ્યાને લેતા અદાલતે આરોપીને કસૂરવાર ઠેરવી આજીવન સખત કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે