એમ.એસ.યુનિવર્સિટીમાં એન્જિનિયરીંગનો એક વિદ્યાર્થી વિચિત્ર માનસિક રોગથી પીડાતો હતો. સવારે ઉઠીને સામાન્ય રીતે કોઇપણ વ્યક્તિ ત્રણ થી પાંચ મિનિટ સુધી દાંત સાફ કરતા હોય છે. પરંતુ, આ યુવક એક કલાક સુધી દાંત સાફ કરતો હતો. મેડિકલ ભાષામાં આ બીમારીને ઓબ્સેસિયવ કમ્પલસિવ ડિસોર્ર્ડર કહે છે. સયાજી હોસ્પિટલમાં તે સારવાર માટે આવ્યો હતો. સાઇકિએટ્રિક ડિપાર્ટમેન્ટના ડોક્ટર દ્વારા ટ્રીટમેન્ટ કરીને તેને સાજો કરવામાં આવ્યો હતો.
સયાજી હોસ્પિટલમાં દર અઠવાડિયે બે થી ત્રણ દર્દીઓ ઓ.સી.ડી. ( ઓબ્સેસિયવ કમ્પલસિવ ડિસોર્ર્ડર ) ના આવે છે. આ દર્દીઓ એક ની એક ક્રિયા વારંવાર કરતા હોય છે. જેમકે, હાથ ધોતા હોય તો તેઓે સતત એવા ડરમાં રહેતા હોય છે કે, જો હાથ બરાબર નહીં ધોવાય તો હાથમાં કિટાણુ રહી જશે અને મને બીમારી થશે. પોતાની આ માનસિક બીમારી અંગે તેણે સયાજી હોસ્પિટલના સાઇકિએટ્રિક ડિપાર્ટમેન્ટમાં જવાનું નક્કી કર્યુ હતું. સાઇકિએટ્રિક ડિપાર્ટેમેન્ટના ડો.ચિરાગ બારોટને મળીને તેણે પોતાની સમસ્યા જણાવી હતી.
ડોક્ટરે તેની દવા શરૃ કરી અને સાથે – સાથે રોજ ૨૦ થી ૨૫ મિનિટ સુધી તેનું કાઉન્સેલિંગ કર્યુ હતું. અઠવાડિયાના કાઉન્સેલિંગ અને દવાની અસરથી વિદ્યાર્થી બીમારીથી મુક્ત થયો હતો.