વડોદરા : સાયકલ લઈને વડોદરાથી લંડન પહોંચવાની પડકારજનક યાત્રામાં નિશાકુમારીએ ૬ દેશોની યાત્રા પૂર્ણ કરીને ૭માં દેશ રશિયામાં પ્રવેશ મેળવ્યો છે. હજારો કિલોમીટર લાંબા,દુષ્કર અને સાહસિક સાયકલ પ્રવાસના ૧૫૩ દિવસ પૂરા થયા છે અને તેણે અત્યાર સુધીમાં ૧૧,૩૨૫ કિમીની સાયકલ યાત્રા પૂર્ણ કરી છે.
નિશા કુમારી તિબેટ, નેપાળ, ચીન કઝાકિસ્તાન થઇને બે દિવસ પહેલા રશિયા પહોંચી છે. હવેની યાત્રા કઠીન રહેવાની છે કેમ કે રશિયાના માઇનસ ૨૦ ડિગ્રી હાડ થીજવતી ઠંડીમાં તેણે સાયકલ ચલાવવાની છે. રશિયામાં તે આખાનથી પ્રવેશી છે અને વોલવોગ્રેડ વગેરે સ્થળો થઈને એ મોસ્કો જવાની છે.આ પ્રદેશમાં જો કોઈ ભારતીય રહેતા હોય તો નિવાસ સહિતની સુવિધામાં સહયોગ આપવા તેણે અપીલ કરી છે. નિશા કુમારીએ રશિયાથી મોકલાવેલા મેસેજમાં ઉલ્લેખ છે કે ચીન સિવાય બાકી તમામ દેશોમાં ઉષ્માભર્યો આવકાર મળ્યો છે.
નિશા કુમારીએ તેનો અનુભવ વર્ણવ્યો છે કે કઝાકિસ્તાનમાં ખનિજ તેલના કુવાઓ અને રિફાઈનરીઓના ૪૦૦ કિ.મી.ના વિસ્તારમાંથી પસાર થવાનું થયુ ત્યારે ઉતારા અને રાતવાસો માટે યોગ્ય જગ્યા નહી મળતા નાના કાફેમાં,આખી રાત પાટલી પર બેસી રહીને આરામ કરવો પડયો હતો. અહીં માંસાહારી જ આહાર મળતો હોવાથી કોફી પર જ દિવસો કાઢ્યા હતા. પરંતુ જ્યાં જ્યાં ભારતીય લોકો મળ્યા ત્યાં ત્યાં ભારતીય ભોજન જમાડીને આવકાર આપ્યો. ઉલ્લેખનીય છે કે નિશા કુમારી સાહસિક છે અને અગાઉ તે એવરેસ્ટ સર કરી ચુકી છે.ગુજરાત (વડોદરા)થી લંડન સુધી સાયકલયાત્રાનો આ પ્રથમ પ્રયાસ છે. મહિલા તો ઠીક કોઇ પુરૃષે પણ અત્યાર સુધીમાં આ પ્રયાસ કર્યો નથી.