રિક્ષાનું પૈંડું મહિલાના ડાબા પગ પર ચઢી જતા ઇજા
Updated: Dec 30th, 2023
વડોદરા,પ્રતાપ નગર બ્રિજ પાસે મહિલાના હાથમાંથી મોબાઇલ ફોન ઝૂંટવીને ભાગી ગયેલા રિક્ષા ચાલકની સીસીટીવીના ફૂટેજના આધારે પોલીસે શોધખોળ હાથ ધરી છે.
ચોખંડી નાની શાક માર્કેટ પાસે સહજાનંદ ફ્લેટમાં રહેતા જાગૃતિબેન ધર્મેશભાઇ વ્યાસ ટિફિન બનાવવાનું કામ કરે છે. તેમના પતિ સીસીટીવી ફિટ કરવાનું કામ કરે છે. ગત તા.૨૯મી એ સવારે નવ વાગ્યે તેઓ ઘરેથી રિક્ષામાં બેસીને પ્રતાપ નગર બ્રિજ પાસે ઉતર્યા હતા.રિક્ષા ચાલકને ભાડૂં આપીને તેઓ રસોઇના કામ બાબતે ફોન પર વાત કરતા હતા. તે દરમિયાન સામેથી રોંગ સાઇડ આવેલી એક રિક્ષાના ચાલક તેમના હાથમાંથી મોબાઇલ ફોન ઝૂંટવીને ભાગી છૂટયો હતો. રિક્ષા ચાલકે રિક્ષા બેદરકારીથી હંકારતા જાગૃતિબેનના ડાબા પગ પર રિક્ષાનું પૈંડું ફરી વળતા ઇજા થઇ હતી. જાગૃતિબેને બૂમાબૂમ કરતા લોકો ભેગા થઇ ગયા હતા અને રિક્ષા ચાલકનો પીછો કર્યો હતો. પકડાઇ જવાના ડરથી રિક્ષા ચાલક મહિલાનો ફોન એક ફ્રૂટવાળાની લારી પર ફેંકીને ભાગી ગયો હતો. ફ્રૂટની લારીવાળાએ તે ફોન એક મોપેડ ચાલકને આપી દીધો હતો. તે ફોન મોપેડ ચાલક મહિલાને પરત આપી ગયો હતો. મકરપુરા પોલીસે સીસીટીવીના ફૂટેજના આધારે રિક્ષા ચાલકની શોધખોળ હાથ ધરી છે.