વડોદરા,લાલબાગ બ્રિજ પાસે રોયલ મેળામાં બુધવારે રાત્રે હેલિકોપ્ટર રાઇડ તૂટવાની ઘટનાની તપાસ દરમિયાન નિષ્કાળજી જણાતા પોલીસે તપાસ શરૃ કરી છે. મેળાની તમામ રાઇડનું એફ.એસ.એલ.દ્વારા પરીક્ષણ કરાવવામાં આવ્યું છે. દરમિયાન પોલીસે ઘટનાને નજરે જોનાર પાંચ વ્યક્તિઓના નિવેદનો નોંધ્યા છે.
બુધવારની રાતે લાલબાગ બ્રિજ પાસે રોયલ મેળામાં હેલિકોપ્ટર રાઇડમાં ક્ષતિ સર્જાતા પાંચ બાળકો નીચે પટકાયા હતા. ચાલુ રાઇડે એકદમ સ્પીડ વધી જતા ગભરાયેલો ઓપરેટર બાળકોના જીવ જોખમમાં મૂકીને ફરાર થઇ ગયો હતો. સ્થળ પર હાજર લોકોએ દોડીને રાઇડના વાયરો ખેંચી કાઢતા હેલિકોપ્ટર રાઇડ ધીરે ધીરે બંધ થઇ ગઇ હતી. રાઇડના દરવાજાનું લોક ખૂલી જતા બાળકો રાઇડ પર લટકી ગયા હતા. તેઓને લોકોેએ બચાવી લીધા હતા.
સમગ્ર ઘટના અંગે કિશનવાડી મહાદેવ ચોકમાં રહેતા જયેશભાઈ જીવણભાઈએ રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. રાવપુરા પોલીસ સ્ટેશનના પી.આઇ. એ.એ.વાઘેલાએ ગુનાની તપાસ દરમિયાન (૧) ઓપરેટર યુનુસ મામદભાઈ રાઉમા (રહે.સુખસાગર સોસાયટી, ભગવતીપરા મેન રોડ, રાજકોટ) (૨) મેનેજર હેમરાજ દેવીદાસ મરાઠા (રહે.આશિષ પાર્ક સોસાયટી, મકરપુરા) અને સંચાલક નિલેશ હસમુખલાલ તુરખીયા (હાલ રહે. મેમોરિયમ એપાર્ટમેન્ટ, માંજલપુર, મૂળ રહે. સાવન સાઇન એપાર્ટમેન્ટ ૧૫૦ ફૂટ રીંગ રોડ રાજકોટ) સામે ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી. દરમિયાન આજે પોલીસે રોયલ મેળાની રાઇડનું એફ.એસ.એલ. દ્વારા પરીક્ષણ કરાવ્યું હતું. રાઇડની તપાસનો રિપોર્ટ હજી બાકી છે. જ્યારે પોલીસે ઇરડાને પણ લેટર લખી તપાસ માટે આવવા કહ્યું છે. આ ઉપરાંત કોર્પોરેશનની તપાસ કમિટિના રિપોર્ટની પણ રાહ જોવાઇ રહી છે.