પ્રબોધ સ્વામીની ફાઇલ તસવીર |
વડોદરા : સોખડા ખાતે આવેલી સ્વામિનારાયણ સંપ્રદાયની સંસ્થા ‘હરિધામ’થી અલગ થયેલા હરિ પ્રબોધમ જૂથને સુપ્રીમ કોર્ટમાંથી નિરાશા મળી છે. સુપ્રીમના ઓર્ડર બાદ હવે હરિ પ્રબોધમ જૂથે બાકરોલની મિલકત ખાલી કરવી પડશે અને હરિધામ દ્વારા જે વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવામાં આવે તેનો સ્વીકાર કરવો પડશે.
હરિપ્રબોધમ જૂથે આત્મીય વિદ્યાધામ, બાકરોલ અને આત્મીય વિદ્યાનિકેતન, અમદાવાદનો કબજો જાળવી રાખવા સુપ્રીમ કોર્ટમાં પિટિશન કરી હતી
સોખડા હરિધામ સંસ્થા પાસેથી મળતી વિગતો અનુસાર પ્રબોધજીવન સ્વામીના જૂથે હરિધામથી અલગ થઇને આત્મીય વિદ્યાધામ, બાકરોલ અને આત્મીય વિદ્યાનિકેતન, અમદાવાદનો કબજો જાળવી રાખવા માટે સુપ્રીમ કોર્ટ સુધી લડત આપી હતી. આ બન્ને મિલકતોમાં થયેલી વચગાળાની રહેણાંક વ્યવસ્થા જાળવી રાખવાની દાદ માગતી સ્પેશ્યલ પિટિશન આ વર્ષે મે મહિનામાં દાખલ કરવામાં આવી હતી.
જો કે આ પિટિશન સુપ્રીમ કોર્ટની બે જ્જની બેચે ડિસમિસ કરી છે અને પ્રબોધજીવનદાસ જૂથ સામે કાનૂની રાહે પગલા લેવા યોગી ડિવાઇન સોસાયટીને છૂટ આપી છે. આ અગાઉ યોગી ડિવાઇન સોસાયટીના અધ્યક્ષ પ્રેમસ્વરૃપ સ્વામીએ હરિપ્રબોધમ જૂથને હરિધામ પરત આવવા અથવા તો સૂચવેલા વૈકલ્પિક સ્થળે રહેવા માટે ઓફર પણ આપી હતી, જેનો પ્રબોધસ્વામી જૂથે અસ્વીકાર કર્યો હતો.