વડોદરા, તા.2 વડોદરા જિલ્લામાં મંદિરમાં ચોરી કરતા ચોરોએ વધુ એક મંદિરમાં ચોરી કરી છે. ભાયલીમાં આવેલા શનિદેવ ભગવાનના મંદિરની દાન પેટીમાંથી બે ચોરો રોકડ ઉઠાવી ગયા હતાં.
ભાયલીમાં આવેલા શનિદેવ ભગવાન મંદિરના સંચાલક જયમીન કનુભાઇ પરમારે તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તા.૨૮ના રોજ સવારે મંદિરમાં સેવા પૂજા કરતા મહારાજ બાલકૃષ્ણભાઇએ મને જણાવેલ કે દાન પેટી તૂટેલી જણાય છે. જેથી હું મંદિરમાં પહોંચ્યો ત્યારે તૂટેલી દાન પેટીમાંથી રોકડ રૃા.૫૦૦૦ની ચોરી થઇ હોવાનું જણાયું હતું. મંદિરના સીસીટીવી કેમેરા ચેક કરતાં બે શખ્સો ચહેરા ઢાંકેલી હાલતમાં મંદિરમાં આવ્યા હોવાનું જણાયું હતું.
બંને ચોરોએ મંદિરની લાઇટો બંધ કરી દીધી હતી અને મંદિરના પાછળના પરિસરમાંથી અંદર પ્રવેશી દાન પેટીને કોઇ સાધન વડે તોડી દાનની રકમની ચોરી કરી હતી. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલાં જ ભાયલી પાસે અટલાદરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા એક જૈન મંદિરમાં પણ ચોરી થઇ હતી જ્યારે બે દિવસ પહેલાં પોર ખાતેના બળિયાદેવ મંદિરમાં પણ દાન પેટી અને તિજોરીમાંથી રોકડની ચોરી થઇ હતી.