Vadodara Theft Case : વડોદરા ભાયલીના સન ફાર્મા રોડ પર આવેલા જૈન મંદિરમાં ગત મોડી રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા અને પૂજાના વાસણ અને રોકડ રકમની ચોરી કરી હતી. પોલીસે ડોગ સ્કોડની મદદથી અને સીસીટીવીના ફૂટેજ દ્વારા ચોરીનો ભેદ ઉકેલવા માટે કવાયત શરૂ કરી છે.
સબ સલામતની બુમરાણ મચાવતા પોલીસ તંત્ર દ્વારા જો ઝીણવટથી નજર કરવામાં આવે તો શહેરમાં દિન પ્રતિદિન ક્રાઈમ રેટ વધતો જાય છે. તેનો ચોક્કસ ખ્યાલ આવશે. તેની વચ્ચે મળતી વિગત મુજબ ભાયલી વિસ્તારના સન ફાર્મા રોડ પર આવેલા જૈન દેરાસરમાં મોડી રાત્રે 2:30 વાગ્યા પછી ત્રણ તસ્કરો ચોરી કરવા માટે ઘૂસ્યા હતા. મંદિરમાં ભગવાનના પૂજાના વાસણ તેમજ દાન પેટીના અંદાજે 5000 રોકડાની ચોરી કરી નાસી ગયા હતા. મંદિરના મેનેજરે ટ્રસ્ટીઓને જાણ કરતા અટલાદરા પોલીસને ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
પોલીસે ડોગ લઈને તસ્કરોના સગડ મેળવવા પ્રયાસ કર્યો હતો. સીસીટીવી કેમેરામાં ત્રણ તસ્કરો પૈકી બે મંદિરમાં ઘુસતા અને એક બહાર ચોકી કરતા યુવક સ્પષ્ટ જોવા મળ્યો હતો. મંદિરને પણ તસ્કરો છોડતા ન હોવાથી ભાવિકોમાં કચવાટ ફેલાયો છે. સામાન્ય વાહનચાલકોને હેરાન પરેશાન કરતા પોલીસ જવાનો માટે અન્ય ગુના શરમમાં મૂકે છે.
મંદિરના પરિસરમાંથી ચાવીનો ઝૂમખો મળ્યો
ભાયલી જૈન મંદિરમાં ત્રાટકેલા ત્રણ ચોરે ચોરી કરી હતી. અને વધુ ચોરી માટે મંદિરની ચાવીનો ઝૂમખો પણ મેળવ્યો હતો. જોકે કોઈ કારણસર તેઓ ઝુમખો મંદિરના પ્રાંગણમાં ફેંકી નાસી ગયા હતા. કેટલી માલ મત્તાની ચોરી થઈ છે તે પોલીસ તપાસ બાદ જાણ થશે.