Updated: Jan 6th, 2024
image : Freepik
– 32 હજાર રૂપિયા ફોન-પે થી ટ્રાન્સફર થઈ ગયા હોવાનો મેસેજ બતાવી ઠગ મોબાઈલ ફોન લઈને જતો રહ્યો હતો પરંતુ એકાઉન્ટમાં પૈસા નહીં આવતા મોબાઈલ ધારકે આ અંગે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે
વડોદરા,તા.6 જાન્યુઆરી 2024,શનિવાર
વડોદરામાં માંજલપુરના સન સીટી પેરેડાઇઝમાં રહેતો રેયાંશ અમરભાઈ પ્રજાપતિ ડોમેક્સ મેન્યુફેક્ચર નામની કંપની ચલાવે છે. માંજલપુર પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે વર્ષ 2021 માં ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા પાસે આવેલ મોબાઈલ વર્લ્ડ નામની દુકાનમાંથી 80 હજારનો મોબાઈલ ફોન ખરીદ્યો હતો. મારે નવો મોબાઈલ ફોન લેવાનો હોવાથી મારા ભાઈના OLX આઈડી પર મારો જૂનો મોબાઇલ વેચાણ કરવા માટે મૂક્યો હતો. તારીખ 22/12/2023 ના રોજ મારા નાનાભાઈના મોબાઈલ પર એક નંબરથી કોલ આવ્યો હતો. અને કહ્યું હતું કે તમે OLX પર મોબાઇલ વેચવા માટે મૂક્યો છે તે મને ગમ્યો છે મારે ખરીદવો છે. મોબાઈલ બતાવવા માટે આવો જેથી હું તથા મારો ભાઈ માંજલપુર દરબાર ચોકડી પાસે મોબાઈલ બતાવવા માટે ગયા હતા. ત્યાં આકાશ દિનેશચંદ્ર જાની રહેવાસી વિઠ્ઠલધામ અવધૂત ફાટક પાસે માંજલપુર મળ્યો હતો. તેને 32,000 માં મોબાઈલ ખરીદવાનો નક્કી કર્યું હતું. તેણે મને કહ્યું હતું કે તમારા નાનાભાઈના મોબાઈલ ફોન પર ફોન-પે થી 32000 ટ્રાન્સફર કરી દઉં છું. તેમ કહી તેને પોતાના મોબાઈલમાં 32000 ટ્રાન્સફર થઈ ગયા હોવાનું બતાવ્યું હતું અને તમારા નાના ભાઈના મોબાઈલ પર થોડા ટાઈમમાં પૈસા આવશે તેવું જણાવ્યું હતું. તેની વાત પર ભરોસો રાખીને મેં મોબાઈલ ફોન તથા ચાર્જર તેને આપી દીધા હતા. પરંતુ મારા ભાઈના મોબાઈલ પર પૈસા ટ્રાન્સફર થઈને આવ્યા ન હતા. ત્યારબાદ અમે આકાશ જાનીનો સંપર્ક કરવાનો પ્રયાસ કરતા તેનો મોબાઇલ ફોન બંધ આવે છે.