વડોદરા,પત્ની અને પિયરવાળાના માનસિક ત્રાસથી કંટાળીને ૧૮ વર્ષના લગ્નજીવન પછી યુવકે સોડિયમ નાઇટ્રેટ પી ને જીવન ટૂંકાવી દીધું હતું. અંતિમ ચિઠ્ઠી મળ્યા બાદ બાપોદ પોલીસે મૃતકની પત્ની અને પત્નીના પિયરવાળા સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છેે.
આજવા રોડની વિનય સોસાયટીમાં રહેતા લીલાવતીબેન વિજયભાઇ મારૃએ બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, સરદાર એસ્ટેટમાં આવેલી ફાઇવ સ્ટાર ઓપ્ટિકલ કંપનીમાં હું તથા મારા ત્રણ દિયર ભાગીદાર છે. મારા બંને દીકરા તેમાં નોકરી કરે છે. મારા દીકરા રાહુલના લગ્ન ફેબુ્રઆરી – ૨૦૦૭ માં ભરત બાબુભાઇ સોનીની પુત્રી પૂજા સાથે થયા હતા. લગ્નના થોડા દિવસ પછી નાની બાબતોમાં પૂજા દ્વારા ઝઘડા શરૃ કરવામાં આવ્યા હતા. પૂજા અમારા કહ્યામાં રહેતી ના હોય લગ્નના બે વર્ષ પછી મારો દીકરો અને તેની પત્ની પૂજા સાથે આજવા રોડ ઓલ્વીન રેસિડેન્સીમાં રહેતો હતો. મારો દીકરો અલગ રહેવા ગયો ત્યારે પણ મારા દીકરા સાથે તેની પત્ની અવાર – નવાર ઝઘડા કરતી હતી. વાર, તહેવારે પૂજા મારા ઘરે આવતી નહતી અને મારા પુત્રને પણ આવવા દેતી નહતી. જો મારો દીકરો આવે તો પૂજા તેની સાથે ઝઘડા કરતી હતી.મારા દીકરા રાહુલ માટે ઓલ્વીન સોસાયટીમાં એક મકાન મારા નામે લોન લઇને લીધું હતું. જેના હપ્તા હું ભરપાઇ કરૃં છું. તે સમયે પણ મકાન મારા નામ પર કેમ ના લીધું ? તેવું કહીને પૂજાએ મારા પુત્ર સાથે મોટો ઝઘડો કર્યો હતો.
ગત તા. ૧૩ મી એ હું, મારા ત્રણ દિયર, પુત્રવધૂ પૂજા સાથે ગાંધીધામ એક પ્રસંગમાં ગયા હતા. અમે રાતે પરત આવતા હતા. તે સમયે મારી પૌત્રી અવાર – નવાર તેની માતા પૂજાને કોલ કરતી હતી. પરંતુ, મારી પુત્રવધૂએ મને કંઇ જ કહ્યં નહતું. સવારે અમે ઘરે આવ્યા ત્યારે જાણ થઇ કે, મારો દીકરો બાથરૃમમાં બેભાન થઇ ગયો હતો અને તેનું મોત થયું હતું. શરૃઆતમાં અમને લાગ્યું કે, હાર્ટ એટેકના કારણે મોત થયું છે. પરંતુ, પી.એમ. રિપોર્ટમાં ઝેરની હાજરી મળી આવી હતી. જેથી, અમે ફેક્ટરીના સીસીટીવી જોતા જાણવા મળ્યું હતું કે, મારા દીકરા રાહુલે સોડિયમ નાઇટ્રેટ પાણીમાં ભેળવીને પી લીધું હતું. પત્ની સાથેના અવાર – નવારના ઝઘડાથી કંટાળીને મારા પુત્ર રાહુલે આપઘાત કરી લીધો હતો.
રાહુલે લખેલી અંતિમ ચિઠ્ઠી મળી
મારી મિલકતમાં મારી પત્ની એક રૃપિયાની પણ હક્કદાર નથી
હું કંઇપણ પગલું ભરૃં તો તેની તમામ જવાબદારી પૂજા અને તેના પિયરવાળાની રહેશે
વડોદરા,રાહુલને ડાયરી લખવાની ટેવી હતી. તેમાં રાહુલે લખ્યું હતું કે, હું રાહુલ મારૃ મારા પૂરા હોશમાં આ લખાણ કરૃં છું કે, હું મારી પત્ની પૂજાના મેન્ટલી ટોર્ચર ને આર્થિક દબાણે મને હેરાન કરી દીધો છે. આ બધી વાત હું મારા પરિવારને છેલ્લા ૧ વર્ષથી જણાવું છું. પણ કોઇ મને સાથ આપી રહ્યું નથી. બધા મને શાંત રહેવા સમજાવે છે. જેથી, બે મહિનાથી મેં મારા પરિવારને પણ કહેવાનું બંધ કરી દીધું છે.પૂજા એની મમ્મી તથા ભાઇ – ભાભીની ચઢમણીથી મારી સાથે આવું વર્તન કરે છે.કાલે સવારે આ બધાથી કંટાળીને હું કંઇપણ પગલું ભરૃં તો તેની તમામ જવાબદારી પૂજા અને તેના પિયરવાળાની રહેશે. પિયરવાળા કાળા ધોળા કરીને મને આર્થિક અને માનસિક રીતે પાયમાલ કરી રહ્યા છે. મારા પછી મારી મિલકતમાં મારો દીકરો અને દીકરી હક્કદાર છે. પૂજા એક રૃપિયાની પણ હક્કદાર નથી.