વડોદરા,દમણથી વિદેશી દારૃનો જથ્થો ભરીને વડોદરામાં ડિલીવરી માટે આવેલા ટ્રકના ક્લિનરને પોલીસે ઝડપી પાડયો છે. જ્યારે ભાગી ગયેલા ડ્રાઇવરની શોધખોળ હાથ ધરી છે.
હાઇવે જાંબુવા બ્રિજ પાસે વિદેશી દારૃ ભરેલી ટ્રક પાર્ક થઇ છે. તેવી માહિતી મળતા પી.સી.બી.ના સ્ટાફે ઉપરોક્ત સ્થળે જઇને તપાસ કરતા દારૃ ભરેલી ટ્રક મળી આવી હતી. ટ્રકમાંથી પોલીસને ક્લિનર મહંમદકેશર આઝમભાઇ શેખ (રહે. સ્કૂલ ફળિયા, દાદરા અને નગર હવેલી, મૂળ રહે. બિહાર) મળી આવ્યો હતો. જ્યારે ડ્રાઇવર સમીર ભાગી ગયો હતો. પોલીસે ટ્રકમાંથી વિદેશી દારૃની ૧,૪૧૮ બોટલ કિંમત રૃપિયા ૨.૦૯ લાખની કબજે કરી હતી. પોલીસે દારૃ, ટ્રક, મોબાઇલ ફોન, રોકડા રૃપિયા, બિસ્કીટના પુઠ્ઠાના ખાલી બોક્સ મળી કુલ રૃપિયા ૧૩.૮૫ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પી.સી.બી. પી.આઇ. સી.બી. ટંડેલે આરોપીની પૂછપરછ હાથ ધરતા જાણવા મળ્યું હતું કે, આરોપીઓ દમણથી દારૃ ભરીને લાવ્યા હતા અને વડોદરામાં બૂટલેગરોને આપવાનો હતો. જોકે, ડ્રાઇવર પકડાયા પછી જ વધુ વિગતો બહાર આવશે.