વડોદરા,રિક્ષામાં મહિલા મુસાફરોને બેસાડી તેમના દાગીના ચોરી લેતી ગેંગના બે સાગરીતોની પીસીબી પોલીસે પાસા હેઠળ અટકાયત કરી અન્ય જિલ્લા જેલમાં મોકલી આપવામાં આવ્યા છે.
તરસાલી વિજય નગર સોસાયટીના ગાર્ડન બહારથી એક મહિલાને મુસાફર તરીકે બેસાડી આરોપીઓએ તેઓને વાતોમાં પરોવી ગળામાંથી કટર વડે સોનાની ચેન કાપી લીધી હતી. ત્યારબાદ મહિલાને રિક્ષામાંથી ઉતારી દીધી હતી. ૩૫ હજારની ચેનની ચોરી અંગે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો. આવી જ રીતે આરોપીઓએ અન્ય એક મહિલાના ગળામાંથી ૩૦ હજારની ચેન ચોરી લીધી હતી. જે અંગે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. આ ગુનામાં પકડાયેલા આરોપી જાફર અનવરભાઇ મનસુરી તથા સલમાન ગુલામનબી વ્હોરા ( બંને રહે. સનમ પાર્ક સોસાયટી, મહેમદાવાદ, જિ.ખેડા) ની પીસીબીએ પાસા હેઠળ અટકાયત કરી રાજકોટ અને સુરત જેલમાં મોકલી આપ્યા છે.