Vadodara Water line Leakage : વડોદરા શહેરના ઉત્તર ઝોન ટીપી-13 પ્રયાગ મંદિરની સામે વરદાન કોમ્પ્લેક્સ નીચે 6 દિવસ અગાઉ પાણીની લાઈનમાં લીકેજ થયું હતું. છ દિવસ સુધી લીકેજને લીધે હજારો લિટર પાણીનો બગાડ થયા બાદ કોર્પોરેશનને ગઈકાલે રીપેરીંગનો સમય મળ્યો હતો અને કામગીરી કરી હતી. હવે આજે પ્રયાગ પાસે રીપેરીંગની કામગીરી સવારથી શરૂ કરવામાં આવી છે. જેસીબી મશીનથી લીકેજના સ્થળે ખોદકામ ચાલુ કર્યું છે.
વોર્ડ નંબર એકના લોકોના કહેવા મુજબ પાણીની આ લાઈન ખવાઈ ગઈ હોવાથી વારંવાર લીકેજ થયા રાખે છે. વરદાન અને પ્રયાગ પાસે 50 મીટર થી પણ ઓછા અંતરમાં લાઈન પર બે લીકેજ થવાથી પાણીનો ખૂબ જ બગાડ થયો હતો. મુખ્ય માર્ગો પર લીકેજને લીધે પાણી વહેતા થયા હતા. આ લાઈન પર વારંવાર લીકેજ થવાને લીધે અસંખ્ય સોસાયટીઓમાં પીવાનું પૂરું પાણી મળતું નથી. એક જ લાઈન પર વારંવાર લીકેજના બનાવો થવાથી લોકોને પાણીની હાડમારી ભોગવવી પડે છે. જો આ રીતે લાઈન ખવાઈ ગઈ હોય તો દૂર કરીને નવી નાખવામાં આવે તો લીકેજ ખોદકામ અને રીપેરીંગની કામગીરી વારંવાર કરવી ન પડે. કોર્પોરેશનને ખોદકામ અને રીપેરીંગનો ખર્ચ પણ બચી શકે આ સ્થળે દિવાળીના થોડા દિવસો પહેલા નવરાત્રી આસપાસ લીકેજ થયું હતું. એકની એક જગ્યાએ છેલ્લા 12 મહિનામાં ચારથી પાંચ વાર લીકેજ થયું છે.