Updated: Dec 20th, 2023
વડોદરાઃ વડોદરા નજીક આવેલા રવાલ ગામની કેનાલમાં આજે બપોરે બે યુવકો ડૂબ્યા હોવાનો બનાવ બનતાં વડોદરા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ,મધ્યપ્રદેશના રતલામ ખાતે રહેતા પ્રહલાદ મહિડા અને દિલીપ ગુડ્ડુ નામના બે યુવકો દસેક દિવસ પહેલાં જ રવાલ ગામની પેવર બ્લોક બનાવતી કંપનીમાં કામ કરવા આવ્યા હતા.
બંને જણા કંપનીમાં જ રહેતા હતા અને આજે બપોરે નજીકની કેનાલમાં નાહવા ગયા ત્યારે એક જણાનો પગ લપસતાં તે ડૂબવા માંડયો હતો.તેને બચાવવા જતાં બીજો પણ ડૂબ્યો હતો.
બનાવને પગલે લોકોના ટોળાં ભેગા થયા હતા.પોલીસ પણ દોડી આવી હતી અને વડોદરા ફાયર બ્રિગેડની મદદ લેતાં ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરના જવાનોએ ત્રણ કલાક સુધી શોધખોળ કરી હતી.પરંતુ ડૂબેલા યુવકોનો પત્તો નહિં મળતાં અને સૂર્યાસ્ત થઇ જતાં તેમણે કામગીરી પડતી મુકી હતી.