Vadodara Accident : વડોદરા-હાલોલ હાઇવે ઉપર મોડી રાત્રે પુરઝડપે પસાર થતા કન્ટેનરે મોટર સાયકલ ઉપર જતા એકજ ગામના અને એકજ ફળિયાના બે યુવાનોને અડફેટમાં લેતા તેઓ બાઇક પરથી પટકાયા હતા. બાઇક ઉપરથી ફંગોળાયેલા બંને યુવાનોના માથાં કચડાઇ જતાં તેઓના ઘટનાસ્થળે કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા.આ ઘટનામાં બાઇકમા આગ ફાટી નિકળતા ખાખ થઇ ગયું હતું. અકસ્માતને પગલે કન્ટેનર ચાલક પોતાનું વાહન સ્થળ ઉપર મુકી ફરાર થઇ ગયો હતો.
જરોદ પોલીસ પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર હાલોલ તાલુકાના હીરાપુરા ગામે રહેતા અને હાલોલ જીઆઇડીસીમાં આવેલી સીયારામ કંપનીમાં નોકરી કરતા વજેસિંહ ગુલાબસિંહ રાઠોડનો પુત્ર નરેશ વજેસિંહ રાઠોડ (ઉ.વ. 20) અને તેમના ફળિયામાં રહેતો સમીર પ્રવિણભાઈ સોલંકી મોટર સાયકલ લઇ જરોદ તરફ નીકળ્યા હતા. દરમિયાન પુરઝડપે પસાર થતા કન્ટેનરે બાઇકને અડફેટમાં લેતાં બંને યુવાનો રોડ ઉપર ફંગોળાયા હતા. તેમના માથાના ભાગે અને શરીરે ગંભીર ઇજાઓ થવાના કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જરોદમાંં દર્શન હોટલ નજીક બનેલી આ દુર્ઘટના અંગેની જાણ વજેસિંહ રાઠોડને થતાં તેઓ પરિવારજનો સાથે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
જોકે પરિવારજનો પહોંચે તે પહેલાં સ્થળ ઉપર પહોંચેલી પોલીસે બંનેની લાશોને જરોદ રેફરલ હોસ્પિટલ ખાતે મોકલી આપી હોઇ પરિવાજનો ત્યાં પહોંચ્યા હતા. બંને યુવાન દિકરાઓના મોતને પગલે હોસ્પિટલમાં માતમ છવાઈ ગયો હતો. પરિવારજનોના હૈયાફાટ રૂદને હોસ્પિટલમાં સન્નાટો પાથરી દીધો હતો. જરોદ પોલીસે અકસ્માત સર્જી ફરાર થઇ ગયેલા આંધ્રપ્રદેશ પાસીંગના કન્ટેનર ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.