વડોદરા,વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની આરોગ્ય વિભાગ શાખાના ફૂડ સેફટી ઓફિસરોની ટીમ દ્વારા ઉત્તરાયણને અનુલક્ષીને આજે પણ ચેકિંગ ચાલુ રાખવામાં આવ્યું હતું. ઊંધિયું અને જલેબીના નમૂના તપાસાર્થે લેવાયા હતા.
વડોદરાના કડકબજાર, માંજલપુર અને આજવા રોડ વિસ્તારમાં આ ચેકિંગ હાથ ધરીને ખાદ્ય પદાર્થોના ૨૬ સેમ્પલ લીધા હતા. જેમાં ઊંધિયું અને જલેબી ઉપરાંત ચીકી, ઘી, ગોળ, તેલ, સેવ વગેરેનો પણ સમાવેશ થતો હતો. ફરસાણની દુકાનોમાં એકનું એક તેલ તળવા માટે ઉપયોગમાં લેવાતું હોવાથી તે આરોગ્ય માટે નુકસાનકર્તા હોય છે. તેલની ટીપીસી વેલ્યૂ માપવા ટેસ્ટીંગ કરાયું હતું.
જો કે કશુ શંકાસ્પદ જણાયું ન હતું. ફૂડ સેફટી ઓફિસરોએ ધંધાર્થીઓને લોકોના આરોગ્ય સાથે ચેડાં ન કરી હલકી ગુણવત્તાવાળું ફૂડ નહીં આપવા તેમજ ધંધાકીય સ્થળે સ્વચ્છતા જાળવવા તાકિદ કરી હતી. હજી તા.૧ થી ૧૦ સુધીના દિવસોમાં પણ શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ કરી ૭૭ દુકાનોમાં તપાસ હાથ ધરી ૧૮૯ નમૂના લીધા હતા અને લેબોરેટરીમાં તપાસ માટે મોકલી આપ્યા હતા.