Vadodara Court Order : વડોદરા-હાલોલ હાઇવે ઉપર જરોદ નજીક કાવતરું રચી સર્વિસ રોડ ઉપર ચાલી રહેલી યુવતી સાથે અકસ્માતના બહાને તકરાર કરી યુવતીને ગળે છરો મૂકી જાનથી મારી નાખવાની ધમકી આપી અવાવરું જગ્યામાં ખેંચી જઈ સામૂહિક બળાત્કારના કેસમાં કોર્ટે ત્રણેય આરોપીઓને દોષિત ઠેરવી પીડિતાને રૂ.7 લાખ વળતર સાથે આજીવન કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે.
ભોગબનનાર 23 વર્ષીય યુવતીના લગ્ન 2022માં થયા બાદ છૂટાછેડા થવાથી યુવતી માતાપિતા સાથે રહેતી હતી. યુવતી રાત્રે જમીને ઘરેથી નીકળી જરોદ-વડોદરા હાઇવે ઉપર એકલી ચાલવા માટે નીકળતી હતી. વર્ષ 2022 ઓક્ટોબર મહિનામાં યુવતી રાબેતા મુજબ ચાલવા નીકળી હતી. તે સમયે એક સગીર સહિત ચાર શખ્સોએ યુવતી સાથે બાઈક અથડાવી તકરાર કરી નજીકની અવાવરું જગ્યામાં લઈ જઈ મોબાઈલ ઝૂંટવી, ગળાના ભાગે છરો મૂકી જાનથી મારી નાખવાની ધમકી આપી બળજબરીપૂર્વક બળાત્કાર ગુજાર્યો હતો. ઘટના સમયે યુવતીનો પરિચિત વિશાલ વસાવા સ્થળ પર આવી જતા આરોપીઓ સાથે ઝપાઝપીમાં તેને સામાન્ય ઇજા પહોચી હતી. અને આરોપીઓ સ્થળ પર છરો તથા બાઈક મૂકી નાસી છૂટ્યા હતા. આ મામલે જરોદ પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. પોલીસે ડ્રાઇવર વ્યવસાય સાથે સંકળાયેલ ત્રણ આરોપી સંજય ભાનુભાઇ ચુડાસમા (રહે-હાલ સુરત/મૂળ-ભાવનગર), પ્રવીણ અર્જુનભાઈ સોલંકી (રહે-હાલ સુરત/મૂળ-કલોલ) અને વિઠ્ઠલ ભાણજીભાઈ સોલંકી (રહે-હાલ સુરત/મૂળ-અમરેલી) ને જ્યુ. કસ્ટડી હેઠળ જેલમાં ધકેલ્યા હતા. જ્યારે ચોથો આરોપી સગીર વયનો હોય તેની સામેની કાર્યવાહી સંબંધિત જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ સમક્ષ ટ્રાન્સફર કરવામાં આવેલ છે. દરમ્યાન એડિ.ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ જે.એ.ઠક્કર સાવલી કોર્ટમાં આ કેસની સુનાવણી હાથ ધરાઈ હતી.
પ્રેમીના મિત્રએ સ્થળ પર ઘસી જઈ આરોપીઓને પડકારતા યુવતીનો છુટકારો થયો હતો
યુવતી પોતાના મિત્ર સાથે મોબાઈલ ફોન ઉપર વાત કરી રહી હતી, ઘટના સમયે યુવતીના હાથમાંથી મોબાઇલ નીચે પડી જતા ફોન ચાલુ હોય સમગ્ર કૃત્ય બાબતે સામે મિત્રને જાણ થઈ હોય તેણે પોતાના મિત્ર વિશાલને તાત્કાલિક સ્થળ પર પહોંચવા જણાવતા વિશાલે સ્થળ પર દોડી જઈ યુવતીને આરોપીઓના ચુંગાલમાંથી છોડાવી હતી. આરોપીઓ સાથે ઝપાઝપીમાં વિશાલને સામાન્ય ઈજા પહોંચી હતી.
સ્ત્રીઓ સમાજમાં નિર્ભય રીતે ફરી શકે તેવા વાતાવરણનું નિર્માણ કરવું પડશે : ફરિયાદ પક્ષની દલીલ
ફરિયાદ પક્ષ તરફે ધારા શાસ્ત્રી એપીપી સી.જે.પટેલની દલીલો થઈ હતી કે, આરોપીઓના આવા કૃત્યથી ભોગ બનનાર તેમજ સમાજની તમામ સ્ત્રીઓ ભયભીત થયેલ છે, આરોપીઓના ગુનાહિત કૃત્યને હળવાશથી લઈ શકાય નહીં, સ્ત્રીઓ સમાજમાં નિર્ભય રીતે ફરી શકે તેવા વાતાવરણનું નિર્માણ કરવું પડશે.
આ પ્રકારના કૃત્યને હળવાશથી લઈએ તો દેશની તમામ સ્ત્રીઓ સાથે અન્યાય કર્યા બરાબર : કોર્ટ
બંને પક્ષકારોની દલીલો અને પુરાવાની ચકાસણી બાદ કોર્ટે નોંધ્યું હતું કે, આવા બનાવો બનવાના કારણે દીકરી અને સ્ત્રીઓનું ઘરમાંથી બહાર નીકળવાનું બંધ થઈ જાય છે, સમાજની તમામ સ્ત્રીઓનો વિકાસ અટકી જાય છે, સ્ત્રીઓ પોતાની ઈચ્છા-અભિલાષા મુજબ કોઈ પ્રવૃત્તિ કરી શકતી નથી, અંતે તમામ સ્ત્રીઓ ઘરના રસોડામાં માત્ર રસોઈ કરતી જોવા મળે છે, તેની પાછળ આ પ્રકારના બનાવોની પણ મોટી ભૂમિકા હોય તે હકીકતનો ઇનકાર થઇ શકતો નથી, માત્ર ભોગ બનનારને નહીં તમામ સ્ત્રીઓને આ પ્રકારના બનાવો અસર કરે છે તેવું માનવાને કારણ રહે છે.