Vadodara-Ahmedabad Expressway Accident: અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ-વે પર વડોદરાથી અમદાવાદ જઈ રહેલું કેમિકલ ભરેલું ટેન્કર અચાનક રેલિંગ તોડી ઊંડા ખાડામાં ખાબક્યું હતું. ટેન્કરમાં બ્લાસ્ટ થતાં કેમિકલ હવામાં પ્રસરતા ધુમાડાના ગોટેગોટા ઉડ્યા હતા. બે કિલોમીટર સુધી એક્સપ્રેસ-વેમાં વિઝિબિલિટી ઘટી ગઈ હતી. ફાયર, પોલીસ સહિતની ઈમરજન્સી ટીમે ટેન્કર ચાલકને હોસ્પિટલ ખસેડી આગ પર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધર્યા હતા. મોડી સાંજે એક્સપ્રેસ-વે પર તમામ વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. કેમિકલની અસરના કારણે ત્રણ વ્યક્તિ બેભાન થતાં તેમને પણ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. આ સિવાય ચાર ગામના લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું.
શું હતી ઘટના?
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ-વે પર મંગળવારે સાંજે વડોદરાથી અમદાવાદ તરફ જઈ રહેલી લેન પર એક કેમિકલ ભરેલું ટેન્કર એકાએક રેલિંગ તોડી નીચે ઊંડા ખાડામાં ખાબક્યું હતું. ટેન્કરમાં બ્લાસ્ટ થતાં કોઈ કેમિકલ લીક થયું હતું. પરિણામે આગની સાથે એક્સપ્રેસ વે પર ઘુમાડાના ગોટેગોટા ઉડવા લાગ્યા હતા. અકસ્માતની જાણ થતાં ફાયરબ્રિગેડ, પોલીસ, હાઈવે ઈમરજન્સી પેટ્રોલિંગ સહિતની ટીમ તાત્કાલિક દોડી આવી હતી. ટેન્કર ચાલકને ઈજાઓ પહોંચી હોવાથી તેને ટેન્કરમાંથી બહાર કાઢીને નડિયાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ધુમાડાના કારણે એક્સપ્રેસ-વે પર બે કિ.મી. સુધી વિઝિબિલિટી ઘટી ગઈ હતી. ફાયરની ટીમે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવા પ્રયત્નો હાથ ધર્યા હતા. જોકે, મોડી સાંજે વાહનોની અવરજવર માટે એક્સપ્રેસ-વે પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકાયો હતો.
આ પણ વાંચોઃ ચેક રિટર્ન કેસમાં બોરસદ તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી શૈલેષ પટેલને એક વર્ષની સજા
3 લોકો બેભાન થતાં હોસ્પિટલમાં ખસેડાયા
કેમિકલયુક્ત ધુમાડો મરીડા ગામ, સલુણના ખુશાલપુરા, વાંટા વિસ્તારમાં, નડિયાદ રિંગરોડના કેટલાક વિસ્તારમાં અને બિલોદરાના કેટલાક ભાગમાં ફેલાયો હતો. ઝેરી ધુમાડાના કારણે ગ્રામજનોને ગણતરીની મિનિટોમાં જ કાન, નાક, આંખ અને ગળામાં અસર થતાં બળતરા થતી હતી. જેમાં મરીડા ગામ નજીક 3 લોકો બેભાન થયા હતાં. ત્રણેય વ્યક્તિઓને તાત્કાલિક નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં અને જિલ્લા કલેક્ટર દ્વારા આદેશ અપાતા ચાર ગામના લોકોનું સ્થળાંતર શરૂ કરાયું હતું.
આ પણ વાંચોઃ આરટીઇ હેઠળ જિલ્લામાં 2563 અને શહેરમાં 3200 અરજીઓ ઓનલાઇન આવી
હેલિપેડથી રિંગરોડ પર વિઝિબિલિટી શૂન્ય થઈ
ધુમાડાના કારણે હેલિપેડથી બિલોદરા તરફના આખા રિંગ રોડ પર વિઝિબિલિટી શૂન્ય થઈ ગઈ હતી. વાહનચાલકોમાં અકસ્માત થાય તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. ધુમાડાના કારણે વાહનચાલકોને હેડ લાઈટ અને પાર્કિંગ લાઈટ ચાલુ કરવાની ફરજ પડી હતી. આખા રોડ પર વાહનોની લાઈટ સિવાય કશું દેખાતું ન હતું.