Vadodara Crime News : વડોદરા શહેર પોલીસની ક્રાઈમ બ્રાન્ચે બિચ્છુ ગેંગના અસલમ બોડીયાની ગેંગ ના 26 સાગરીતો સામે ગુજસીટોક હેઠળ વડોદરામાં પ્રથમ ગુનો નોંધ્યા બાદ હવે કારેલીબાગના માથાભારે હુસેન સુન્ની અને તેની ગેંગના 9 સભ્યો સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધી 8 જણાની અટકાયત કરતા અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
વડોદરામાં બિચ્છુ ગેંગ દ્વારા ખંડણી, હત્યા, ધાક ધમકી, મારામારી જેવા સંગઠિત ગુનાઓ આચારવામાં આવતા હોવાથી વડોદરા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ત્રણ વર્ષ પહેલા અસલમ બોડિયો તેમજ તેના 25 સાગરીતો સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધી અસલમ તેમજ નામચીન મુન્ના તરબૂચની લાખોની સંપત્તિ સીઝ કરી હતી.
વડોદરામાં છેલ્લા કેટલાક સમયથી કારેલીબાગના ભુતડી જાપા નજીક કાસમઆલા વિસ્તારમાં આવી જ રીતે નામચીન હુસેન સુન્ની તેમજ તેના ત્રણ ભાઈઓ અને અન્ય સાગરીતો દ્વારા ખંડણી, હુમલા, ધાકધમકી જેવા ગંભીર ગુના આચારવામાં આવતા હોવાથી વડોદરા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આજે હુસેનની કાસમ આલા ગેંગના નવ સાગરિતો સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
નોંધનીય છે કે, બે દિવસ પહેલા પણ હુસેન સુન્ની તેના ભાઈ અકબર તેમજ હલીમાં સામે ખંડણી નો ગુનો નોંધવામાં આવ્યો હતો. હુસેનની ગેંગના તમામ સભ્યો પોલીસના સકં જામા આવી ગયા છે. જ્યારે એક સાગરીત જેલમાં હોવાથી તેની પણ ધરપકડ કરવામાં આવશે.