Vadodara : વડોદરા જિલ્લાના કરજણ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ જિલ્લા પ્રમુખ દ્વારા મતદારોને ધમકી આપવામાં આવે તે પ્રમાણે પ્રવચન કરતા વડોદરા શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી કલ્પેશ પટેલે જિલ્લા ચૂંટણી અધિકારીને ફરિયાદ આપી કરજણ નગરપાલિકાની ચૂંટણીમાં આદર્શ આચાર સંહિતાના ભંગ બદલ કાયદાકીય કાર્યવાહી કરવા માગણી કરી છે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી-2025 ચાલુ હોય અને આગામી 16/02/2025 ના રોજ કરજણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીનું મતદાન યોજાનાર છે. ચૂંટણી જાહેર થતાજ આચાર સંહિતાનો અમલ કરવો એ બધા જ રાજકીય પક્ષ/પાર્ટીઓ તથા અન્ય અપક્ષ ઉમેદવારો માટે ફરજીયાત હોય છે, જે ભારત સરકારના સંવિધાન પ્રમાણે છે. જેનો અમલ કરવો એ સમગ્ર ભારત દેશના લોકોએ ફરજીયાત પણે અમલીકરણ કરવો જોઈએ, એવી ચૂંટણી પંચ નવી દિલ્હી તરફથી ચૂંટણી અંગેનું જાહેરનામું બહાર પડે કે તરત જ આદર્શ આચાર સંહિતાના અમલીકરણ અંગે ચૂંટણી પંચની સ્થાયી સૂચનાઓ/માર્ગદર્શન તથા વખતો વખત આપવામાં આવે તેવી તમામ સૂચના/માર્ગદર્શન મુજબ કામગીરી કરવાની રહે છે. પરંતુ કરજણ નગરપાલિકાના વિસ્તારમાં સામાન્ય ચૂંટણી 2025 નો પ્રચાર ચાલુ હોય ત્યારે તા.10/02/2025 ના રોજ આદર્શ આચાર સંહિતાને ધ્યાનમાં ના રાખતા ભારતીય જનતાના અધ્યક્ષ સતીષભાઇ પટેલ ચૂંટણી પ્રચાર દરમ્યાન જાહેરમાં અને જનતામાં મતદારોને BJP ને મત આપવા ધાક ધમકી ભર્યા નિવેદનો કરતા હતા. જેનાથી મતદારોમાં ભયનુ વાતાવરણ ઉભું થાય છે અને મતદારો નિષ્પક્ષ પણે મતદાન કરી શકશે નહીં. જે અહીંયા આદર્શ આચાર સંહિતાનો ખુલ્લેઆમ ભંગ થયેલ છે. તેઓની ઉપર આચાર સંહિતાના ભંગ બદલ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે, જેથી કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે અને મતદારો નિર્ભય રીતે મતદાન કરી શકે.