Vadodara : વડોદરાને પૂરથી રાહત મળે તે માટે વિશ્વામીત્રી નદી અને શહેરમાં આવેલ વરસાદી કાંસો જેમ કે રૂપારેલ, ભૂખી, મસીયા તથા અન્ય નીચાણવાળા સ્થળ કે જયાં શહેરમાં પાણી ભરાયુ હોય ત્યાં હવે પછી પાણી ન ભરાય તેનું મંથન હાલ કોર્પોરેશનમાં ચાલી રહ્યું છે. કોર્પોરેશનની સમગ્ર સભામાં પણ લાંબી ચર્ચા થઇ કે એક કોન્ટ્રાકટર 100 દિવસમાં તો બીજો 150 દિવસમાં નદી, કાંસ ઊંડા કરવા અને સફાઈ કરવાનું કામ પુરું કરશે.
વિનાશક પૂરમાં હજારો પરિવારના ઘરો એક-એક માળ પાણીમાં ડૂબી ગયા હતા. ઝૂંપડપટ્ટી અને મધ્યમ વર્ગની હાલત ખૂબ જ કઠિન બની હતી. લોકોને પૂરા પ્રમાણમાં સહાય પણ ન મળી. આ બધી હાડમારીઓનો ખ્યાલ રાખીને નદી અને વરસાદી કાંસની કામગીરી વહેલી તકે પૂરી કરવા અને તેમાં પણ ભ્રષ્ટાચાર ન થઈ તેનું ધ્યાન રાખવા કોંગ્રેસે માંગ કરી હતી, પરંતુ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીએ કામ મંજૂર ન કર્યું, તેમ જણાવી વિરોધ પક્ષ કોંગ્રેસના નેતાએ કહ્યું હતું કે શહેરને આફતમાંથી બચાવવું હોય તો શાસકોએ નકકર અને તાત્કાલિક કામ કરવું જોઈએ. વહેલું કામ કરાવવાની જગ્યાએ વાંધા વચકા કાઢી કામ પાછું ઠેલવામાં આવી રહ્યું છે. નગરજનોના હિતમાં વરસાદ પહેલા કામ પુરું કરવા માટે કોંગ્રેસ માંગ કરી રહ્યું છે.