Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ 2025-26નું ડ્રાફ્ટ બજેટ આવતીકાલે મ્યુનિસિપલ કમિશનર કોર્પોરેશનની સ્ટેન્ડિંગ સમિતિ સમક્ષ રજૂ કરશે. આ બજેટ આશરે 6 હજાર કરોડનું હશે તેમ જાણવા મળેલ છે. ગયા વર્ષે બજેટ સમગ્ર સભાએ 5558.86 કરોડનું મંજુર કર્યું હતું. ગયા વર્ષે બજેટ પર વિરોધપક્ષે 454 દરખાસ્ત રજૂ કરી હતી. જેમાંથી એક પાછી ખેંચી લીધી હતી. 453 દરખાસ્ત મતદાન કરીને બહુમતીના જોરે ફગાવી દીધી હતી.
ગયા વર્ષના બજેટ જેમ આ વખતે પણ બજેટમાં પાણી, ડ્રેનેજ, બ્રિજ, રોડ, વરસાદી પાણીનો નિકાલ, ઇ-બસ, ઇ-ચાર્જિંગ સ્ટેશનો, રિંગરોડ સહિતના કામો મૂકવામાં આવશે. ચૂંટણીનું વર્ષ હોવાથી બજેટમાં કોઈ વેરો સૂચવવામાં આવશે તો તે શાસક પક્ષ નામંજૂર કરશે, અને બજેટને ચૂંટણી લક્ષી બનાવી દેશે. આ વખતે પ્રથમ વખત બજેટ પૂર્વે લોકોના સૂચનો મગાવવામાં આવ્યા છે. ગઈકાલ સુધીમાં આશરે 600 લોકોએ 1,600 જેટલા સૂચનો કોર્પોરેશનને આપ્યા છે. જેમાં રોડ, રસ્તા, ડ્રેનેજ, પાણી, વિશ્વામિત્રી, રોડની પહોળાઈ, દબાણ, સફાઈ, આકારણી, મકાન, આરોગ્ય સુવિધા વગેરેને લગતા સૂચનો કર્યા છે. સૂચનોનો આંકડો હજી વધે તેવી શક્યતા છે. લોકો પાસેથી વધુ સૂચનો મળે તેને ધ્યાનમાં રાખીને આવતા વર્ષે ડિસેમ્બર મહિનાથી જ સૂચનો મંગાવવાનું શરૂ કરી દેવામાં આવશે. જે માટે કોર્પોરેશન સૂચનો મેળવવા ડેશબોર્ડ, ઓનલાઇન વગેરેની સુવિધા ઉભી કરશે. કોર્પોરેશનના વર્તુળો કહે છે કે તમામ વર્ગને આવરી લે તે મુજબ બજેટ રજૂ કરવામાં આવશે. બજેટમાં ટૂંકા અને લાંબાગાળાના આયોજન રજૂ કરવામાં આવશે. શહેરમાં પાણી અને ડ્રેનેજનું નેટવર્ક વધુ મજબૂત બનાવવામાં આવશે. સ્વચ્છતા અને સફાઈ પર વધુ ભાર મૂકવામાં આવશે. ડ્રાફ્ટ બજેટ સાથે વર્ષ 2024-25 નું રિવાઇઝડ બજેટ પણ રજૂ થશે.