વડોદરા કૉર્પોરેશન તંત્ર દ્વારા સુપ્રીમ કોર્ટના ચુકાદાનું ઉલ્લંઘન કરીને શહેરના કારેલીબાગ ઓવરબ્રિજ નીચે પે એન્ડ પાર્કથી વાહન પાર્ક કરવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. આવી જ રીતે ફતેગંજ ઓવર બ્રિજ નીચેની જગ્યા રેડીમેડ ગારમેન્ટવાળાને હંગામી બાંધકામ કરવા દઈને ધંધા રોજગારની છૂટ અપાઇ છે. આ ઉપરાંત લાલબાગ ઓવર બ્રિજ નીચેની ખુલ્લી જગ્યામાં રેન બસેરા બનાવાયું છે. જોકે અટલબ બ્રિજ નીચેની ખુલ્લી જગ્યા અંગે જુદા જુદા પિલરોમાં પાર્કિંગના ભાવ અને ડિપોઝિટના ભાવ પાર્કિંગના ધસારા મુજબ નક્કી કરવામાં આવ્યા છે જેથી વિવાદ સર્જાયો છે.
શહેરના પશ્ચિમ વિસ્તારમાં વડોદરાનો સૌથી લાંબો અટલ બ્રિજ બનાવાયો છે. હવે આ બ્રિજ નીચે પાલિકા તંત્ર દ્વારા જાહેર હરાજી થી પે એન્ડ પાર્કનો કોન્ટ્રાક્ટ આપવાનો તખતો ઘડાઈ રહ્યો છે. જ્યારે બીજી બાજુ સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે કે ઓવરબ્રિજ નીચેની તમામ જગ્યાનો ભાગ તદ્દન ખુલ્લો રાખવા જણાવાયું છે.
ઓવરબ્રિજ નીચેના ભાગે કોઈ હંગામી દબાણ કે બાંધકામ હોવું જોઈએ નહીં તેવું પણ ચુકાદામાં સ્પષ્ટપણે જણાવ્યું છે. આમ છતાં પાલિકા તંત્ર દ્વારા અદાલતના તિરસ્કાર રૂપે લાલબાગ ઓવરબ્રિજ નીચે રેન બસેરા બનાવી દેવાયું છે. જ્યારે અમિત નગર બ્રિજ નીચે પે એન્ડ પાર્કથી જગ્યા ભાડે આપી દેવાય છે, હવે અટલ બ્રિજ નીચેના વિવિધ પિલરની જગ્યા જુદા જુદા ચાર્જ દ્વારા જાહેર હરાજીથી ભાડે આપવાનો તખતો તૈયાર કરી દેવાયો છે.
ઉલ્લેખનીય છે કે શહેરના પશ્ચિમ વિસ્તારમાં વડોદરા નો સૌથી મોટો અને લાંબો અટલબિજ બનાવાયો છે. હવે આ બ્રિજ નીચે જુદા જુદા પિલરોની વિવિધ ખુલ્લી જગ્યા પે એન્ડ પાર્કથી ભાડે આપવા પાલિકા તંત્ર દ્વારા નક્કી કરાયું છે. જેમાં મનીષા ચોકડી, હનુમાનજી મંદિર પાસે, ચકલી સર્કલ, આંબેડકર સર્કલ અને ગેંડા સર્કલ ના વિવિધ પીલરો પાસેની ખુલ્લી જગ્યા મુજબ પાર્કિંગના ધસારાને ધ્યાનમાં રાખીને પાલિકા તંત્ર દ્વારા જુદી જુદી ડિપોઝિટ ની રકમ નક્કી કરાઇ છે. આ ઉપરાંત આ તમામ પિલરો મુજબની ખાલી જગ્યા પ્રમાણે અને પાર્કિંગના ધસારાને ધ્યાનમાં રાખીને પ્રતિ માસનું ઓછામાં ઓછું ભાડું પણ નક્કી કરાયું છે. જેમાં સૌથી વધુ ડિપોઝિટ મનીષા ચોકડી વિસ્તારના પિલર નં. ૧૨થી ૧૯માં અને પ્રતિ માસ મુજબ તેનું ઓછામાં ઓછું ભાડું પણ સૌથી વધુ છે. જ્યારે હનુમાનજી મંદિર પાસે પિલર નં. ૩૨થી ૩૭માં સૌથી ઓછી ડિપોઝિટ અને પ્રતિમા સૌથી ઓછું ભાડું નક્કી કરાયું છે. જોકે સુપ્રીમ કોર્ટનો સ્પષ્ટ આદેશ છે કે, કોઈપણ ઓવરબ્રિજની નીચે કોઈપણ પ્રકારનું પાર્કિંગ કે પછી કાચું-પાકું બાંધકામ હોવું જોઈએ નહીં. પરંતુ પાલિકા તંત્ર દ્વારા આ ચુકાદાને ઘોળીને પી જવાતો હોય એવી રીતે આટલા બ્રિજના જુદા જુદા પીલરોની જુદી જુદી ખાલી જગ્યાઓ નક્કી કરાયેલી ડિપોઝિટ લઈને પ્રતિ માસ મુજબ નક્કી કરાયેલા ભાડા અંગે હરાજી રાખવામાં આવી છે. જેની શરતો પાલિકાની વેબસાઈટ પરથી જોવા મળશે. અને અન્ય તમામ વિગતો સાથે અરજી આગામી તા. ૧૫ ફેબ્રુઆરી સુધી ઓફિસર સમય દરમિયાન ખંડેરાવ માર્કેટ ખાતે જમીન મિલકત અમલદાર રૂમ નં. ૨૦૩, મોકલી આપવા જણાવ્યું છે.