Vadodara Water Shortage : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના શેરખી ઇનટેક વેલ ખાતે સરદાર સરોવર નિગમ લિ. દ્વારા નર્મદા કેનાલમાં જરૂરી ગેટ મેન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવી છે. જે માટે આજે શટડાઉન લીધું છે. જેના કારણે શહેરના પશ્ચિમ વિસ્તારમાં પાણીની તકલીફ ઊભી થશે. આશરે દોઢ લાખની વસ્તીને બે ટાઇમનું પાણી નહીં મળે. ચોમાસુ પૂરું થયા બાદ શિયાળુ પાક માટે સરદાર સરોવર નિગમ ખેડૂતોને સિંચાઈનું પાણી પૂરું પાડે છે. આ પાણી આપતા પહેલા કેનાલના તમામ ગેટનું મેન્ટેનન્સ કરવામાં આવે છે. જેથી કરીને પાણી છોડવામાં અને બંધ કરવામાં સરળતા રહે. વડોદરા કોર્પોરેશન પણ શેરખી કેનાલથી ખાનપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ માટે પાણી મેળવે છે. કેનાલમાં જે પાણી આવે તેમાં કચરો, ઝાડી ઝાંખરા, માટી વગેરે હોય છે. આ પાણી મોટી સ્ક્રીન એટલે કે જાળીમાંથી ગળાઈ જાય છે, કચરો વગેરે સાફ થઈ ગયા બાદ પાણી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં જાય છે.
આજે નર્મદા નિગમ દ્વારા શટડાઉન લેવામાં આવ્યું હોવાથી કોર્પોરેશનની પાણી પુરવઠા ઈલેક્ટ્રીક એન્ડ મિકેનિક શાખા શેરખી ઈનટેક વેલ પાસેની કેનાલમાં મૂકેલી એમ.એસ. સ્ક્રીન રીપ્લેસમેન્ટ કરવાની કામગીરી પણ કરી લેશે. આજે કેનાલમાં પાણી બંધ રહેવાથી આશરે 7 કરોડ લિટર પાણીની ઘટ પડશે. આખી કામગીરી કરતા અગાઉ કેનાલના એક બાજુનો ગેટ બંધ કરી પાણી રોકવામાં આવશે અને બીજી બાજુનો ગેટ ખોલી પાણીનો નિકાલ કરાશે. કેનાલ મોટી હોવાથી પાણી ખાલી થતા વાર લાગે છે. જોકે કોર્પોરેશન દ્વારા તા.7ના રોજ સવારના પાણી વિતરણ બાદ કામગીરી શરૂ કરવામાં આવી હતી. ખાનપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતેથી પાણી પુરવઠો મેળવતી શહેરની પશ્ચિમ વિસ્તારની ગાયત્રીનગર ટાંકી, હરિનગર ટાંકી અને તાંદલજા ટાંકી ખાતેથી તા.7ના રોજ સાંજના સમયનું પાણી વિતરણ કરવામાં આવશે નહીં, તેમજ ગાયત્રીનગર ટાંકી, વાસણા ટાંકી, હરિનગર ટાંકી અને તાંદલજા ટાંકી ખાતેથી તા.8ના રોજ સવારના સમયનું પણ પાણી વિતરણ કરવામાં આવશે નહીં, કેમકે આખી કામગીરી તારીખ 8 ની સવાર સુધી ચાલુ રહેશે. એ પછી નિગમ કેનાલમાં પાણી છોડશે. ગાયત્રીનગર, હરિનગર અને તાંદલજા ટાંકી ખાતેથી તા.8ના રોજ સાંજના સમયનું પાણી હળવા દબાણે, ઓછા સમય માટે તથા વિલંબથી વિતરણ કરવામાં આવશે.