Vadodara : વડોદરાના ગોરવા, કરોડિયા, ઉંડેરા ખાતે નવી ડ્રેનેજ નેટવર્ક નાખવાની કામગીરી અંગે હેવી મશીનરી, મજૂરો, કારીગરોની હેરફેર તથા કામ માટેના મટીરીયલ રાખવાના કારણે આ વિસ્તારના કેટલાક રસ્તા આવતીકાલ તા.20 ને શુક્રવારથી બંધ કરાશે. જેના વિકલ્પે અપાયેલા ડાયવર્ઝનનો ઉપયોગ કરવા પાલિકા તંત્ર દ્વારા જણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે ગોરવા, કરોડીયા, ઉંડેરા ખાતે નવી ડ્રેનેજ નેટવર્ક નાખવાની કામગીરી શરૂ કરવાની છે. આ અંગે હેવી મશીનરી, મજૂરો, કારીગરોની હેરફેર તથા કામ માટેના મટીરીયલ્સ રાખવાની જગ્યાના કારણે રસ્તા ડાયવર્ઝન કરવાના થાય છે. જેમાં રૂબી સર્કલથી સત્યનારાયણ ટાઉનશીપ સુધીના ઉંડેરા ગામના રસ્તે કામગીરી પૂર્ણ થાય ત્યાં સુધી કામની આવશ્યકતા પ્રમાણે તબક્કાવારની લંબાઈમાં તમામ પ્રકારના વાહન વ્યવહાર માટે આવતીકાલ તા.20ને શુક્રવારથી બંધ રાખવામાં આવશે. જેના વિકલ્પ રૂપે કામગીરી સિવાયના ભાગના અન્ય વૈકલ્પિક રસ્તાઓનો સાવચેતીપૂર્વક ઉપયોગ કરવા તંત્ર દ્વારા જણાવાયું છે. આ ઉપરાંત કરોડીયા સ્મશાનથી વૃંદાવન ચોકડી સુધીના રસ્તે કામગીરી કરવા માટે બાજવાથી કરોડીયાને જોડતા રસ્તે કામગીરી પુરી ન થાય ત્યાં સુધી જરૂરિયાત મુજબ તબક્કાવાર લંબાઇમાં તમામ પ્રકારના વાહનો માટે આવતીકાલથી રસ્તો બંધ કરવામાં આવનાર છે. જેના વિકલ્પ રૂપે કામગીરી સિવાયના ભાગમાં અન્ય વૈકલ્પિક રસ્તાઓનો સાવચેતીપૂર્વક ઉપયોગ કરવા પાલિકા તંત્રના ડ્રેનેજ પ્રોજેક્ટ શાખા દ્વારા જણાવાયું છે.