Vadodara Crime : ભાડે ફેરવવા આપેલી કાર બારોબાર વેચી મારીને રૂપિયા પરત નહીં આપતા ટ્રાવેલ્સ સંચાલક સહિતના આરોપીઓ દ્વારા નાણાની લેતીદેતીના મુદ્દે યુવકને માર મારી મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો. જેમાં પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી બેને વોન્ટેડ જાહેર કર્યા છે. દરમિયાન ત્રણ પૈકી એક આરોપીને સાથે રાખીને હત્યાની ઘટનાનુ રી-કન્સ્ટ્રક્શન કરાયું હતું.
સાવલી તાલુકાના મોકસી ગામે રહેતા વિશ્વજીત વાઘેલા ટ્રાવેલ્સનો ધંધો કરે છે અને છાણી વિસ્તારમાં તેની ઓફિસ પણ આવેલી છે. તેણે પોતાની કાર તેના મિત્ર પાર્થ સુથારને ભાડે ફેરવવા માટે આપી હતી. પરંતુ પાર્થે તેની કાર બે લાખમાં અન્યને વેચી મારી હતી અને રૂપિયા પણ પરત વિશ્વજીતને ચૂકવ્યા ન હતા. દરમિયાન 4 માર્ચના રોજ વિશ્વજીત વાઘેલાએ પાર્થને રૂપિયાની વાત કરવા માટે તેની છાણી ખાતેની ઓફિસમાં બોલાવ્યો હતો. ત્યારબાદ રૂપિયાની લેતી દેતીના મુદ્દે સાગરીતો સાથે મળીને ઢોર માર માર્યો હતો.
જેમાં ગંભીર ઇજાઓ થવાના કારણે પાર્થ સુથારનું મોત નીપજ્યું હતું. પાર્થ તેની ઓફિસમાં ઢળી પડ્યો હોય તેને સારવાર માટે એસએસજીમાં ખસેડ્યો હોવાની વર્ધી પણ વિશ્વજીતે જ જાતે લખાવી હતી. હોસ્પિટલમાં લઈ ગયા બાદ તબીબોએ પાર્થ સુથારને મૃત જાહેર કર્યો હતો. દરમિયાન પોલીસ હોસ્પિટલમાં પહોંચતા વિશ્વજીત વાઘેલા સહિતના આરોપીઓ ફરાર થઈ ગયા હતા. પાર્થના પિતરાઈ ભાઈ આશિષ સુથારે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મુખ્ય આરોપી વિશ્વજીત વાઘેલા સહિત ત્રણ લોકોની ધરપકડ કરી હતી. દરમિયાન આજે 6 માર્ચના રોજ પોલીસે ત્રણ પૈકી એક આરોપીને સાથે રાખીને છાણી ખાતેની ઓફિસમાં લઈ જઈને સમગ્ર ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું.