Vadodara : વડોદરા નજીક દુમાડમાં છેલ્લા ઘણા સમયથી પેટ્રોલ અને ડીઝલ ચોરીના કૌભાંડનો સ્ટેટ મોનિટરિંગ સેલે પર્દાફાશ કર્યો હતો. ગઈકાલે સ્ટેટ વિજીલન્સે દુમાડમાં દરોડો પાડી બે ટેન્કર, ચોરીના પેટ્રોલ તેમજ ચોરી માટેના સાધનો સાથે નામચીન મુકેશ ચંડેલ સહિત ચારને ઝડપી પાડ્યા હતા. જ્યારે છ શખ્સો ફરાર થઈ ગયા હતા.
આ અંગેની વિગત એવી છે કે દુમાદ સાવલી રોડ પર આવેલ ઠાકોર કાકાના કમ્પાઉન્ડમાં પેટ્રોલ અને ડીઝલ ભરેલી ટેન્કરોના ચાલકો પોતાની ટેન્કરો લઈને ત્યાં આવે છે અને ટેન્કરોમાંથી પેટ્રોલ તેમજ ડીઝલની ચોરી કર્યા બાદ તેનું ગેરકાયદેસર વેચાણ કરવાનું કૌભાંડ ચાલે છે તેવી બાતમીના આધારે સ્ટેટ વિજિલન્સે ગઈકાલે દરોડો પાડતા પેટ્રોલ ડીઝલની ચોરી કરનારા શખ્સોમાં ભાગદોડ મચી ગઈ હતી.
સ્ટેટ વીજીલન્સ દ્વારા સ્થળ ઉપરથી પેટ્રોલ ડીઝલનું ચોરીનું નેટવર્ક ચલાવતા મુકેશ શાંતિલાલ ચંદેલ રહે ગોવર્ધન ટાઉનશીપ વાઘોડિયા રોડ તેના પુત્ર રોમિત, પપ્પુ ઉદયલાલ ખટીક રહે માજીનગર વાઘોડિયા રોડ અને આકાશ શિવશંકર ગીરી રહે માઇ કૃપા સોસાયટી દશરથને ઝડપી પાડ્યા હતા. જ્યારે સ્થળ પરથી ટેન્કરના ચાલક પંકજ પાંડે, વિજય પગી, ભરત ખતીક તેમજ પેટ્રોલ લેવા આવનાર ઋદુ ગોસ્વામી, અલ્પેશ પઢિયાર અને દિલીપ રાયમલ ફરાર થઈ ગયા હતા.
દુમાડમાં ઠાકોર કાકાના કમ્પાઉન્ડમાંથી ટેન્કરમાંથી ચોરી કરેલું 800 લીટર પેટ્રોલ, બે ટેન્કરો, પાંચ મોબાઈલ મળી કુલ 25.73 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ અંગે વીજીલન્સ દ્વારા મંજુસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.