Vadodara Water Shortage : વડોદરાના વિવિધ વિસ્તારોમાં ઉનાળાના પ્રારંભ પહેલા જ પાણીની લાઈનો લીકેજ થવાની સાથે સાથે પાણી અપૂરતા પ્રેશરથી મળતું હોવાની ફરિયાદો શરૂ થઈ છે. વોર્ડ નંબર 1 છાણી જકાતનાકા ટાંકીની પાણી ડીલીવરીની મેઇન 24 ઇંચ ડાયામીટરની લાઈનમાં મોટું લીકેજ સર્જાયું હોવાથી બે દિવસ નાગરિકોને પાણી મળી શક્યુ ન હતું. છેલ્લા ઘણા સમયથી પાણીની આવક પૂરતા પ્રમાણમાં થતી નથી. જેના લીધે સાંજના 6 વાગે વિતરણ થતું પાણી સાંજે 7 થી 8 ના સમય સુધીમાં પાણી વિતરણ કરવામાં આવે છે.
શહેરમાં એક ટાઇમ પાણી પણ પૂરતા પ્રમાણમાં અને સમયસર નહીં આપી શકતું કોર્પોરેશનનું તંત્ર હાલમાં મિલકત વેરાની ઉઘરાણી કરવામાં પાણીના કનેક્શનમાં પણ કાપી રહ્યું છે. નાગરિકોને પીવાનું શુધ્ધ અને પુરતુ પાણી આપવુ એ કોર્પોરેશનની ફરજીયાત ફરજ છે. જો એ ફરજના નિભાવી શક્તા હોય તો વેરો લેવાનો અધિકાર નથી. હજી તો ઉનાળાની શરૂઆત છે,અને તેમાં જો પાણીની આવક પૂરતા પ્રમાણમાં નથી થતી તો પછી એપ્રિલથી જુન સુધીમાં વડોદરા કેટલી તકલીફો સહન કરવી પડશે તે સવાલ છે, એમ કહી વોર્ડ એકના કોંગ્રેસના મહિલા કોર્પોરેટરે કમિશનરને પાણી પૂરતું આપવા રજૂઆત કરી છે.