Vadodara : વડોદરા શહેરના સમા વિસ્તારમાં કોર્પોરેશનની માલિકીની જમીન અંગેનો વિવાદ હાલમાં કોર્ટમાં ચાલી રહ્યો છે ત્યારે કોર્પોરેશન દ્વારા જમીનમાં બાંધવામાં આવેલી ઓરડી તેમજ દરવાજો તોડી નાખવામાં આવતા ફરી એકવાર વિવાદ સર્જાયો છે.
વડોદરાના સમા ટીપી 11 માં આવેલા સર્વે નંબર 171 પ્લોટ ની જમીન 1974માં કોર્પોરેશન દ્વારા જમીન માલિક સ્વર્ગસ્થ મંગળભાઈ નાથાભાઈ પાસેથી દસ્તાવેજ કરી રૂપિયા 40,256માં આઠ પ્લોટ ખરીદ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આ જમીનનો વિવાદ ચાલતો રહ્યો હતો અને તેમાંથી બે પ્લોટ કોર્પોરેશનને વેચાણ પણ કર્યા હતા જ્યારે બાકીના છ પ્લોટ અંગે 1975 માં હક પત્રકમાં અને પ્રોપર્ટી કાર્ડમાં કોર્પોરેશનની માલિકીના પ્લોટ હોવાની નોંધ કરવામાં આવી હતી. ત્યારબાદ જમીન માલિકના અવસાન બાદ તેમની દીકરી શિવ બહેન હીરાભાઈ રાઠોડએ રાજેશ મેકવાન, આશિષ દુર્વે, સુજીત પ્રધાન અને ઉપેન્દ્ર અરગડેને વેચાણ કરી હતી. જે અંગેનો દસ્તાવેજ પણ કરવામાં આવ્યો હતો.
આ અંગે કોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો. તે જમીન માલિકે કોર્પોરેશનની તરફેણમાં પરત ખેંચ્યો હતો ત્યારબાદ વર્ષ 2015માં જમીન વેચાણ કરી દેવામાં આવી હતી જેમાં ભાજપના મહિલા કોર્પોરેટરના પતિ અને ભાજપના અન્ય કાર્યકર્તા સહિત ચાર વ્યક્તિએ જમીન ખરીદ કરી હતી અને વર્ષ 2015માં કોર્પોરેશન સામે ફરી કેસ દાખલ કર્યો હતો. જેનો ચુકાદો ફેબ્રુઆરી 2024 માં જમીન માલિકોની તરફેણમાં આવ્યો હતો. આ ચુકાદા સામે કોર્પોરેશન દ્વારા દાવો દાખલ કરવામાં આવ્યો હતો. જે અંગે હાલમાં મનાઈ હુકમ આપવામાં આવ્યો છે.
આ જમીનમાં જમીન માલિકોએ દરવાજા પર ચાર ખરીદ કરનાર વ્યક્તિના નામનું બોર્ડ લગાવ્યું હતું અને જમીનમાં ઓરડી પણ બાંધી હતી. તે તાજેતરમાં કોર્પોરેશન દ્વારા તોડી નાખવામાં આવતા ફરી વિવાદ સર્જાયો છે. આ જમીન અંગે ભાજપના વોર્ડ નંબર 14 ના પૂર્વ કોર્પોરેટર વિજય પવારે રજૂઆત કરી હતી. ત્યારબાદ સમગ્ર માહિતી બહાર આવી હતી. આ અંગે ભાજપના વોર્ડ નંબર 2 ના કોર્પોરેટર અને સ્થાયી સમિતિના સભ્ય ભાણજીભાઈ પટેલે કોર્પોરેશનની માલિકીના 6 પ્લોટ પરત મેળવવા રજૂઆત કરી હતી.
તેમણે કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે અગાઉ સમા વિસ્તારની આ જમીનના આઠ પ્લોટ ખેડૂત પાસેથી મકાનો બાંધવા રૂ.40,256 માં ખરીદ કરી હતી. તેમાંથી બે પ્લોટનું વેચાણ પણ કોર્પોરેશને કરેલું છે જેની પર ગોલ્ડન સિલ્વર એપાર્ટમેન્ટ બંધાયેલું છે ત્યારે અન્ય છ પ્લોટ કોર્પોરેશનની માલિકીના હતા. તેમજ છ પ્લોટ જમીન માલિકે ખોટી રીતે અન્ય વ્યક્તિઓને વેચાણથી આપી દીધા છે. કોર્પોરેશન દ્વારા આ જમીનમાં બાંધેલી ઓરડી અને દરવાજો તોડી નાખતા જમીન ખરીદનાર ભાજપના અગ્રણી ઉપેન્દ્ર અરગડેએ સ્પષ્ટતા કરી હતી કે 1980 થી જમીન અંગેની રેવન્યુ રેકોર્ડ સહિત માહિતી મેળવી હતી. જેમાં મૂળ જમીન માલિકનું નામ નોંધાયેલું હતું જમીન ખરીદતા અગાઉ જાહેર નોટિસ આપી વાંધા સુચનો પણ મંગાવ્યા હતા પરંતુ કોઈ વાંધા સૂચનો આવ્યા નથી તેમ જ વર્ષ 2015માં કોર્પોરેશન સામે કેસ દાખલ કર્યો હતો. જેનો તાજેતરમાં ફેબ્રુઆરી 2024 માં ખેડૂતની તરફેણમાં હુકમ આવ્યો છે આ સામે કોર્પોરેશનને ફરી દાવો દાખલ કર્યો અને મનાઈ હુકમ આપ્યો છે ત્યારે આ જમીનમાં બાંધેલી ઓરડી અને દરવાજો તોડી નાખ્યો છે તે અયોગ્ય બાબત છે કોર્ટ જે નિર્ણય કરશે તે અમારા માટે શિરોમાન્ય રહેશે.