Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાલમાં મિલકત વેરાની વસુલાતની કામગીરી ચાલુ છે. જે દરમિયાન સીલ કરેલી અને બંધ પડેલી મિલકતોમાંથી જેનો સૌથી વધુ વેરો બાકી છે તેવી મિલકતો શોર્ટ લિસ્ટ કરીને તેમાં કોર્પોરેશનનો બોજો દાખલ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. દરેક વોર્ડમાંથી આવી આશરે 60 જેટલી મિલકતો અલગ તારવવામાં આવી છે. જે મિલકતોમાં કોર્પોરેશનનો બોજો દાખલ કરવાની છે, તેની સંખ્યા આશરે 1000 જેટલી થાય છે.
બોજો દાખલ થતાં જે તે મિલકતના પ્રોપર્ટી કાર્ડમાં કોર્પોરેશનનું નામ પણ દાખલ થાય છે. આવી મિલકતોનું વેચાણ જે તે મિલકત ધારક જ્યાં સુધી કોર્પોરેશનનો બાકી વેરો ભરે નહીં ત્યાં સુધી કરવા જાય તો પણ પાછો પડે કેમ કે ખરીદનાર વેરો બાકી હોવાથી તૈયાર થતો નથી. હાલ જે મિલકતોમાં બોજો દાખલ કરવાનો છે, તેની ફાઈલો બનાવવાનું ચાલુ કરવામાં આવ્યું છે. ચાલુ નાણાકીય વર્ષમાં સામાન્ય કરના 724 કરોડના લક્ષ્યાંક સામે અત્યાર સુધીમાં 674 કરોડની વસુલાત થઈ છે. હવે 31 માર્ચ સુધીમાં લક્ષ્યાંક સિદ્ધ કરવા હજુ 50 કરોડ આવક હાંસલ કરવી પડશે. સરકારી મિલકતો પૈકી પોલીસ વિભાગની 4 કરોડની, રેલવેની 7 કરોડની અને નર્મદા નિગમની 3 કરોડની વસુલાત હજી બાકી છે, અને તે માટેની કાર્યવાહી હાલ ચાલી રહી છે. 31 માર્ચ સુધીમાં આ ચુકવણી કોર્પોરેશનને કરી દેવાશે તેમ જાણવા મળ્યું છે. વેરાની બાકી વસુલાત માટે તમામ 19 વોર્ડમાં દરરોજ બીન રહેણાંક મિલકતોને સીલ કરવાની કામગીરી હાલમાં થઈ રહી છે. તા.12 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 61 હજારથી વધુ મિલકતો સીલ કરવામા આવેલ છે.