Vadodara Corporation : વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર 5 અને વન નંબર-15માં પાણીનું પ્રેશર વધારવા કોર્પોરેશન લાખો રૂપિયાનો ખર્ચ કરી રહી છે. ત્યારે ઈજારદારોએ અંદાજથી લગભગ 35% કે તેથી વધુના ભાવપત્રો રજૂ કરતા પાલિકાને રૂપિયા 10 લાખનું વધારાનું ભારણ આવશે.
પાણી પુરવઠા પ્રોજેક્ટ શાખા દ્વારા પૂર્વ ઝોનમાં વહીવટી વોર્ડ નં-5માં આવેલ આજવા રોડ નિલયપાર્કથી અમરદીપ બંગ્લોઝ સુધી પ્રેશર સુધારણા અર્થે 300 મીમી વ્યાસની પાણીની નળીકા નાખવાના કામે આવેલ ઇજારદાર મે.એસ.કે.મકવાણા એન્ડ કંપનીના નેટ અંદાજ રૂ.33,63,661 (GST સિવાય)થી 35.24% વધુ મુજબ રૂ.45,48,926.93+ GSTના બિનશર્તિય આઇટમ રેટ ભાવપત્રને મંજુર કરવાની કમિશનર તરફથી આવેલી ભલામણને મંજૂરી આપવા માટે સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કરવામાં આવી છે.
પૂર્વ ઝોનમાં વહીવટી વોર્ડ નં-15માં આવેલ રામવાટીકા સોસાયટીથી સ્કાયમાર્ગ એપાર્ટમેન્ટ સુધી પાણીની મોટી નળિકા નાખવાના કામે આવેલ ઇજારદાર મે.એસ.કે.મકવાણા એન્ડ કંપનીના અંદાજ રૂ.38,91,680 (GST સિવાય)થી 34.95% વધુ મુજબ રૂ.52,53,025.96+GSTના બનશર્તીય આઇટમ રેટ ભાવપત્રને મંજુર કરવાની કમિશનર તરફથી આવેલી ભલામણને મંજૂરી આપવા રજૂ કરાઈ છે. ઈજારદારોએ ઊંચા ભાવપત્રો રજૂ કરતા પાલિકાને લગભગ રૂપિયા દસ લાખનું વધારાનું ભારણ આવશે.