Vadodara Corporation : વડોદરા કોર્પોરેશને અમદાવાદના ઇજારદાર એબેલોન ક્લીન એનર્જી લિમિટેડને 1000 TPD વેસ્ટ એનર્જી પ્રોજેક્ટ માટેની કામગીરી સોંપેલ હતી. કામગીરી ઈજારદાર દ્વારા બંધ કરી દેવામાં આવતા પાલિકા તંત્ર દ્વારા વારંવાર તેઓને જરૂરી સૂચના આપવામાં આવી હતી આખરે સમગ્ર કામ મામલે પાલિકા તંત્રએ ઇજારદારને અંતિમ નોટિસ પાઠવી છે અને હવે તેના અનુસંધાને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું છે.
કોર્પોરેશન દ્વારા અમદાવાદના ઇજારદાર એબેલોન ક્લીન એનર્જી લિમિટેડને 1000 TPD વેસ્ટ ટુ એનર્જી પ્રોજેક્ટ માટેની કામગીરી આપવામાં આવેલ હતી. કામગીરી અન્વયે સિવિલ વર્કની કામગીરી તથા મિકેનિકલ વર્કની તમામ કામગીરી સંપૂર્ણ બંધ કરી દેવાઈ છે. વેસ્ટનાં પ્રી-પ્રોસેસીંગની કામગીરી તા.22.07.2024થી સંપૂર્ણ બંધ છે. જેથી સાઇટ ખાતે ખુબ જ મોટી માત્રામાં વેસ્ટ જમા થયેલ છે. ઈજારદાર દ્વારા આપવામાં આવેલ પ્રોજેક્ટ એક્ટીવીટી શિડ્યુલ પ્રમાણે કામગીરીની કોઈ પ્રોગ્રેસ જણાતો નથી. પાલીકા દ્વારા એબેલોન ક્લીન એનર્જી લિમિટેડને કામગીરી માટે માર્ચ-2025 સુધીનું એક્ષટેન્શન રાજ્ય સરકાર દ્રારા આપવામાં આવેલ છે. એક્ષટેન્શન આપ્યા બાદ પણ ઇજારદાર દ્વારા સિવિલ વર્ક તથા મિકેનિકલ વર્કની કોઈ કામગીરી હાથ ધરવામાં આવેલ નથી તથા મિકેનિકલ ઇક્વીપમેન્ટ સાઇટ ખાતે આવેલ નથી. પ્રોજેકટ હાલની કામગીરી જોતા માર્ચ-2025માં ઇજારદાર દ્વારા કાર્યરત થઈ શકે તેવું જણાતું નથી. જે ખુબ જ ગંભીર બાબત છે.
મકરપુરા રે.સ. નં.346 સ્થિત લેન્ડફીલ ફેઝ-1 ખાતેના 4.80 લાખ મે. ટન લેગસી વેસ્ટનો નિકાલ બાયો-રેમેડીએશન પ્રક્રિયા દ્રારા રૂ.40.42 કરોડના ખર્ચે વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવેલ છે. હાલમાં લેન્ડફીલ ફેઝ-1 ખાતેના પાંચ લાખ મે. ટન વેસ્ટનો નિકાલ રૂ.42.55 કરોડના ખર્ચે વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાની કામગીરી પ્રગતિમાં છે જ્યારે 9.80 લાખ મે. ટન વેસ્ટનો કૂલ 82.97 કરોડનો ખર્ચે નિકાલ થશે.
ઉપરોકત બાબતે રાજય સરકાર દ્વારા સમયાંતરે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ અંતર્ગત રિવ્યુ કરવામાં આવે છે. જેમાં વેસ્ટ નિકાલ માટેની કામગીરીમાં ઇજારદારની નિષ્કાળજીના કારણે પાલિકાની છબી ખરડાઈ રહી છે. ઈજારદાર એબેલોન ક્લીન એનર્જી લિમિટેડની ધીમી કામગીરીના લીધે અથવા અન્ય કારણોસર કોઇપણ જાતનાં પ્રશ્નો ઉદભવશે તો તેની જવાબદારી તેઓની રહેશે. નિર્ધારિત સમયમર્યાદામાં સંતોષકારક પ્રતિસાદ ન આપવા બદલ કોર્પોરેશન પગલાં લેશે. વિલંબ અને નોન-કોમ્પલાયન્સ બદલ કોન્ટ્રાકટને ટર્મિનેશન કરી તેના ખર્ચે અને જોખમે અન્ય એજન્સી પાસેથી કામગીરી પૂર્ણ કરાવી શકે છે. વારંવાર સૂચના છતા ઈજારદાર કોઈ કામગીરી ન કરતા હોવાથી હવે અંતિમ નોટિસ બાદ પાલિકા તંત્ર શું પગલાં લે છે? તે જોવું રહ્યું.