Vadodara : ભારતના પ્રથમ વડાપ્રધાન સ્વ. જવાહરલાલ નહેરુની આજે જન્મ જયંતી છે, ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા ફતેગંજ ઓવરબ્રિજની નીચે જે ફ્રીડમ પાર્ક બનાવવામાં આવ્યો છે, ત્યાં બ્રિજના પીલર પર સ્વાતંત્ર સેનાની તરીકે જવાહરલાલ નેહરુનું પણ ચિત્ર મુકવા શહેર કોંગ્રેસ દ્વારા માગણી કરવામાં આવી છે.
વડોદરા શહેર કોંગ્રેસના પ્રમુખે જણાવ્યું હતુ કે કોર્પોરેશનમાં સત્તાધીશોને અગાઉ લેખીત રજુઆત કરી હોવા છતાં પણ આજ દિન સુધી ફતેગંજ ફ્રીડમ પાર્ક ખાતે પંડિત નેહરુનું ચિત્ર મૂકવામાં આવ્યું નથી. ઉલ્લેખનીય છે કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફતેગંજ ફ્લાય ઓવર બ્રિજની નીચે 75 સ્વાતંત્ર સેનાનીઓના ચિત્રો મૂકવામાં આવ્યા છે. મુંબઈના આશરે 25 કલાકારો બ્રિજ નીચે 20 પિલર ઉપર આશરે 18,750 ચોરસ ફૂટ જગ્યામાં આ ચિત્રો બનાવાયા હતા. આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે શહેરમાં કોઈ એક જાહેર સ્થળે સ્વાતંત્ર સંગ્રામના વીર નાયકોને અંજલી સ્વરૂપે આ કામગીરી કરવા વડાપ્રધાને અગાઉ ઓલ ઇન્ડિયા મેયર કોન્ફરન્સમાં સૂચન કર્યું હતું, જેના અનુસંધાનમાં આઝાદીના નાયકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા આ કાર્ય કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું હતું.