Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં ભારે વરસાદ અને ત્રણ વખત પૂર આવવાના કારણે મિલકત વેરાના વર્ષ 2024-25ના બિલો આપવાનું આ વખતે મોડું થયું છે. હવે દોઢ મહિના બાદ કોર્પોરેશન દ્વારા બિલો આપવાની શરૂઆત કરવામાં આવશે.
બિલ આપતા પૂર્વે કોર્પોરેશન દ્વારા રહેણાંક કોમર્શિયલ અને ઔદ્યોગિક એકમો સહિતની મિલકતોના આકારણી રજીસ્ટર પ્રસિદ્ધ કરે છે. જેમાં તારીખ 16 થી આકારણી રજીસ્ટર પ્રસિદ્ધ કરવાનું શરૂ થશે. આકારણી રજીસ્ટર પ્રસિદ્ધ થાય એ પછી તે જે તે વોર્ડમાં જોવા માટે મૂકવામાં આવે છે. જેના આધારે રજીસ્ટરમાં નોંધવામાં આવેલી વિગતો અંગે કંઈ વાંધો હોય અને સુધારો વધારો કરવાનો હોય તો વાંધા અરજી કરવાની પણ તક આપવામાં આવે છે. આ સમગ્ર પ્રક્રિયા 20 ડિસેમ્બર સુધી ચાલશે. કોર્પોરેશન આશરે 8.50 લાખ વેરાના બિલો આપે છે. દર વર્ષની માફક ચાલુ વર્ષે એડવાન્સ વેરા બિલ ભરવાની સ્કીમ પણ મૂકવામાં આવી હતી. જે બે મહિના ચાલી હતી. જે દરમિયાન કોર્પોરેશનને 240 કરોડની આવક થઈ હતી. ચાલુ વર્ષે મિલકત વેરાની આવકનો લક્ષ્યાંક 742 કરોડનો મૂકવામાં આવ્યો છે. ગયા વર્ષે કોર્પોરેશનના બજેટમાં મુકેલા અંદાજ 671 કરોડના ટાર્ગેટને સિદ્ધ કરવા માટે છેલ્લી ઘડી સુધી એડી ચોટીનું જોર લગાવ્યું હતું. વેરો નહીં ભરનાર સામે પણ સખતાઈ દાખવી હતી. કૂલ 64320 બીન રહેણાંક મિલકતોને સીલ કરવામાં આવી હતી. રહેણાંક મિલકતોને 76252 વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યા હતા. બાકી વેરાની વસુલાત કરવા 136245 મિલકતોને નોટીસ આપવામાં આવી હતી. વ્યાજ વળતર યોજનાના છેલ્લા દિવસે 12.17 કરોડથી વધુ મેળવીને 671 કરોડનો ટાર્ગેટ એચીવ કર્યો હતો.