Updated: Jan 3rd, 2024
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની સિક્યુરિટીનો કોન્ટ્રાક્ટ બદલાયો ત્યારથી યુનિવર્સિટી કેમ્પસની સુરક્ષા વ્યવસ્થામાં ધરખમ ફેરફારો કરવામાં આવી રહ્યા છે.તેમાં પણ હવે વાઈસ ચાન્સેલરની સુરક્ષા માટે વીવીઆઈપી રાજકારણી જેવો પ્રોટોકોલ બનાવવામાં આવ્યો હોવાનુ જાણવા મળ્યુ છે અને તેની સામે સોશિયલ વર્ક ફેકલ્ટીના સેનેટ સભ્યે સવાલો ઉઠાવ્યા છે.
સેનેટ સભ્ય કપિલ જોષીનુ કહેવુ છે કે, અગાઉના કોઈ વાઈસ ચાન્સેલર માટે આ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી નહોતી.હાલના વાઈસ ચાન્સેલર પ્રો.શ્રીવાસ્તવને યુનિવર્સિટીના કોઈ પણ કાર્યક્રમમાં હાજરી આપવાની હોય તો યુનિવર્સિના સિક્યુરિટી ઓફિસર અને સિક્યુરિટી કર્મચારીઓનુ એક વાહન તેમની કારની આગળ એસ્કોર્ટિંગ વાહન તરીકે જાય છે.એટલુ જ નહીં સિક્યુરિટી ઓફિસર દ્વારા એક દિવસ પહેલા કાર્યક્રમ સ્થળની મુલાકાત લેવામાં આવે છે અને સ્થળની ચકાસણી કરવામાં આવે છે.સિક્યુરિટી ઓફિસર જે તે ફેકલ્ટીના ડીન પાસે વાઈસ ચાન્સેલરની બેસવાની વ્યવસ્થા અંગે જાણકારી મેળવે છે.સમગ્ર રુટની પણ ચકાસણી કરે છે.સેનેટ સભ્ય કપિલ જોષીના જણાવ્યા અનુસાર કાર્યક્રમના દિવસે પણ વાઈસ ચાન્સેલર પહોંચવાના હોય તેના અડધો કલાક પહેલા ફરી રુટની જાણકારી મેળવવામાં આવે છે.કેમ્પસમાં ફરજ બજાવતા સિક્યુરિટી જવાનોને કાર્યક્રમ સ્થળે બોલાવી લેવામાં આવે છે અને વાઈસ ચાન્સેલર કાર્યક્રમમાંથી રવાના ના થાય ત્યાં સુધી જવાનોને ત્યાં ખડે પગે રાખવામાં આવે છે.સવાલ એ છે કે, વાઈસ ચાન્સેલર પર એવુ કયુ જોખમ છે કે તેમના માટે કોઈ વીવીઆઈપી રાજકારણી જેવો પ્રોટોકોલ રાખવામાં આવ્યો છે?આ પહેલા કોઈ વાઈસ ચાન્સેલર માટે આવી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી નહોતી.હવે તો એવુ લાગી રહ્યુ છે કે, સિક્યુરિટી અને વિજિલન્સ માટે કેમ્પસની સુરક્ષા જ વાઈસ ચાન્સેલરની સુરક્ષા છે.