Vadodara : વડોદરા શહેરની મધ્યમાં આવેલા પ્રાચીન ઇમારત ન્યાયમંદિર અને લાલકોર્ટ અંગેના ટેન્ડર સ્થાયી સમિતિમાં રજૂ થયા છે ત્યારે ફરી એકવાર હેરિટેજ સિટિની આગવી ઓળખ ઊભી કરવાના વિધાનસભાના દંડકના પ્રયાસો સામે કેટલાક સભ્યો વિવાદ ઉભા કરશે તેમ જાણવા મળે છે.
પ્રાચીન ઐતિહાસિક ન્યાયમંદિર અને સેન્ટ્રલ હોલના નવીનીકરણ પાછળ રૂ.37.54 કરોડનું ટેન્ડર રજૂ થયું છે જે 6.20 ટકા વધુ ભાવનું હોવાથી વિવાદ સર્જાશે. ન્યાયમંદિર ઇમારતને ત્રણ તબક્કામાં નવીનીકરણ કરવાનું આયોજન હાથ ધર્યું છે. જેમાં સેન્ટ્રલ હોલ ત્યારબાદ લેફ્ટ કોટીયાર્ડ અને રાઇટ કોટીયાર્ડ, રીસ્ટોરેશન અને રિનોવેશન, કન્ઝર્વેશનનું કામ કરવામાં આવશે. સ્થાયી સમિતિમાં લાલકોર્ટમાં મ્યુઝિયમ બનાવવાનું કામ બે મહિના પહેલા રજૂ કરવામાં આવ્યું હતું. પરંતુ તે કામ પણ મંજૂર નહીં કરી પરત કરી દેવામાં આવ્યું હતું. તે પણ સ્થાયી સમિતિમાં ફરી રજૂ થતાં આ બંને કામ અંગે વિધાનસભાના દંડકની વિરોધી લોબી ફરી એકવાર સક્રીય બની વિવાદ ઉભો કરશે તેમ માનવામાં આવે છે.