વડોદરા, તા.3 ચાણસદ પાસે સિટિ બસે એક બાઇકને જોરદાર ટક્કર મારતાં બાઇક પરથી પટકાયેલા યુવાનને ગંભીર ઇજા થવાથી મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત એવી છે કે પાદરા તાલુકાના ઝવેરીપુરા ગામમાં રહેતો ૨૨ વર્ષનો યુવાન વનરાજ તેજાભાઇ મેર પોતાની બાઇક લઇને ચાણસદ ગામે ડીઝલ લેવા નીકળ્યો હતો. બપોરે ત્રણ વાગ્યાની આસપાસ તે ડીઝલ લઇને પરત ઘેર જતો હતો ત્યારે ચાણસદ નવીનગરી પાસે સામેથી વડોદરા તરફથી આવતી એક સિટિ બસે બાઇકને જોરદાર ટક્કર મારતાં વનરાજ બાઇક પરથી નીચે પટકાયો હતો.
તેને ગંભીર ઇજા થતાં સારવાર માટે ખસેડાયો હતો જ્યાં ફરજ પરના તબીબે તેનું મોત નિપજ્યું હોવાનું જાહેર કર્યું હતું. આ બનાવના પગેલ મોટી સંખ્યામાં લોકો એકત્ર થઇ ગયા હતાં. દરમિયાન મૃતકના પિતરાઇ ભાઇ સવજી તોગાભાઇ મેરે સિટિ બસના ચાલક સામે ફરિયાદ નોધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.