વડોદરાઃ વડોદરામાં રિવોલ્વરની હેરાફેરીનો ટૂંકા ગાળામાં બીજો કિસ્સો બન્યો છે.જેમાં આજે અકોટા વિસ્તારમાંથી પોલીસે એક યુવકને ઝડપી પાડયો હતો.
તાજેતરમાં ફતેગંજ પોલીસે નિઝામપુરા બ્રિજ પાસેથી બસમાં પસાર થતા એક યુવક પાસેથી પોલીસે રિવોલ્વર કબજે કરી હતી.જે રિવોલ્વર તેણે છોટાઉદેપુર ખાતેથી મેળવી હતી અને પોલીસે બીજા પણ આરોપીઓને પકડયા હતા.
અકોટા વિસ્તારમાં નવાવાસના નાકે પાસે એક યુવક દેશી રિવોલ્વર લઇને ઉભો છે તેવી માહિતી મળતાં એલસીબી ઝોન-૨ની ટીમે શકમંદ યુવકની સ્કૂલ બેગમાંથી એક રિવોલ્વર કબજે કરી પોલીસ ફરિયાદ કરી હતી.
પૂછપરછ દરમિયાન અસ્ફાક સલમાની (અફીકા ફ્લેટ્સ,અકોટા ગામ મૂળ બદાયુ, યુપી)એ બદાયું ખાતેથી રૃ.૧૦ હજારમાં રિવોલ્વર ખરીદી હોવાની અને ગ્રાહકને શોધતો હોવાની વિગતો ખૂલી હતી.જેથી તેણે કોની પાસે રિવોલ્વર ખરીદી છે અને કેટલીવાર રિવોલ્વર ખરીદીને લઇ આવ્યો હતો તે મુદ્દે પૂછપરછ હાથ ધરી છે.