વડોદરા,ડભોઇ રોડ પર જૂના ઝઘડાની અદાવત રાખી યુવક પર તલવાર અને ડંડા વડે હુમલો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપનાર હુમલાખોરો સામે વાડી પોલીસે ગુનો દાખલ કર્યો છે.
ડભોઇ રોડ જલારામ નગરમાં રહેતા ક્રિષ્ણા વિજયભાઇ રિક્ષા ડ્રાઇવિંગ કરે છે. વાડી પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગઇકાલે રાતે સાડા નવ વાગ્યે મારી રિક્ષા લઇ ડભોઇ રોડ મહાનગર વુડાના મકાનમાં ગયો હતો. ત્યાં મુસાફરો ઉતારીને હું વુડાના મકાન નજીક ઉભો હતો. તે દરમિયાન ગલીમાંથી સદુ નામનો વ્યક્તિ મારી પાસે આવ્યો હતો. મારા ભાઇ વિક્કી સાથે તેને અગાઉ થયેલા ઝઘડાની અદાવત રાખી તેણે મારી પાસે આવીને કહ્યું કે, તારા ભાઇએ થોડા સમય પહેલા મને માથામાં માર્યુ હતું. હું તને આજે છોડું નહી.તેણે તલવાર વડે મારા માથામાં ઇજા પહોંચાડી હતી. ત્યાં નજીકમાં રહેતા સાઉલ તથા અન્ય એક સગીરે ડંડા વડે મને માર માર્યો હતો. ત્રણેય હુમલાખોરોએ મને માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી રિક્ષામાં પણ તોડફોડ કરી હતી. મેં બૂમાબૂમ કરતા લોકો ભેગા થઇ જતા આરોપીઓ ભાગી ગયા હતા.વાડી પોલીસ સ્ટેશનના પી.આઇ. જીજ્ઞોશ ગામીતે આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.