વડોદરા,સમા વિસ્તારમાં રહેતા યુવકે મોબાઇલ ફોનમાં અંતિમ ચિઠ્ઠી લખી ગળા ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. જે અંગે સમા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ન્યૂ સમા રોડ ચાણક્યપુરી પાસે ડિફેન્સ કોલોનીમાં રહેતો અનિકેત પ્રવિણભાઇ રાવલ ( ઉં.વ.૨૩) મંજુસર જી.આઇ.ડી.સી.ની કંપનીમાં નોકરી કરતો હતો. ધુળેટી દરમિયાન તેને પગમાં ઇજા થતા નોકરી જતો નહતો. તેના પિતા ડ્રાઈવિંગ કરે છે. આજે બપોરે તેના પિતા રોજીંદા ક્રમ મુજબ,ઘરે જમવા માટે આવ્યા હતા. તેઓએ ઘરમાં જઇને જોયું તો તેમના પુત્રે ફાંસો ખાઇ લીધો હતો. તેને નીચે ઉતારી સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. પરંતુ, તેનો જીવ બચી શક્યો નહતો. બનાવ અંગે સમા પોલીસને જાણ કરવામાં આવતા પી.એસ.આઇ. બી.કે. ચૌધરીએ સ્થળ પર જઇને તપાસ હાથ ધરી હતી. યુવકના મોબાઇલ ફોનમાંથી પોલીસને એક સ્ક્રીન શોટ મળ્યો હતો. જેમાં તેણે આ પગલું ભરવા બદલ માતા – પિતાની માફી માંગી હતી. તેમજ લખ્યું હતું કે, હું જિંદગીથી કંટાળી ગયો છું. મારે પૈસાની કોઇ લેતી દેતી નથી, કોઇની સાથે કોઇ દુશ્મનાવટ નથી કે કોઇની સાથે સંબંધ નથી. આપઘાતનું કારણ જાણવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.