Updated: Dec 12th, 2023
ગાંધીનગરના સે-૨૯માં સરકારી કર્મચારીઓ માટે બનેલી
વસાહતની મહિલા જાગી જતા ટોળકી નાસી છૂટી : બે પરિવારો બહારગામ હોવાથી પોલીસ ગુનો નોંધાવાની રાહ જોઇ રહી છે
ગાંધીનગર : પાટનગર ગાંધીનગરમાં છેલ્લા ઘણા દિવસોથી ઘરફોડ ચોરીની ઘટનાઓ
વધી રહી છે ત્યારે શહેરના સેક્ટર-૨૯માં આવેલી વંદેમાતરમ્-ટુ વસાહતમાં ગઇકાલે
રાત્રે બુકાનીધારી ટોળકી ત્રાટકી હતી અને એક સાથે છ બંધ મકાનના તાળા તૂટયા હતા. જો
કે, બે
પરિવારો બહારગામ હોવાથી ચોરીનો અંદાજ લગાવી શકાયો નથી. વસાહતની મહિલા જાગી જતા આ
ટોળકી નાસી છુટી હતી જો કે,
ઘટનાની જાણ થતા પોલીસ પણ સ્થળ ઉપર દોડી આવી હતી.
ગાંધીનગર શહેરમાં શિયાળાની ઠંડી દરમ્યાન ઘરફોડ ચોરીના બનાવ
વધી રહ્યા છે ત્યારે આસપાસનો વિસ્તાર પણ તેમાંથી બાકાત રહ્યા નથી.ત્યારે આ વખતે
ગાંધીનગરના સેક્ટર-૨૯માં આવેલી સરકારી કર્મચારીઓ માટે બનેલી વંદેમાતરમ્-ટુ
વસાહતમાં બુકાનીધારી ટોળકી ત્રાટકી હોવાની વિગતો મળી રહી છે. પોલીસ ચોકી સામે જ
આવેલી આ વસાહતમાં ગઇકાલે રાત્રે ટી-શર્ટ અને ટ્રેક પહેરી છ જેટલા શખ્સો મોઢે
બુકાની બાંધીને આવી પહોંચ્યા હતા અને વસાહતમાં એક પછી એક છ જેટલા તાળા તોડી દીધા
હતા. જો કે, ત્રણ ચાર
મકાનોમાંથી કોઇ ચીજવસ્તુ ચોરવામાં સફળતા મળી ન હતી અને બે મકાનના માલિક બહારગામ
ગયા હોવાથી ચોરીનો અંદાજ લગાવી શકાયો નથી. વસાહતમાં રહેતી મહિલા જોગી ગઇ હતી અને
તે આ ટોળકીને જોઇ જતા આ શખ્સો ત્યાંથી નાસી છુટયા હતા. આ ઘટના અંગે પોલીસને જાણ
કરવામાં આવતા પોલીસ પણ સ્થળ ઉપર પહોંચી હતી જો કે, આ મામલે કોઇ જ ગુનો દાખલ થયો નથી. નોંધવું રહેશે કે આ
વસાહતમાં ૧૬૮ જેટલા સરકારી કર્ચમારીઓ રહે છે જેમાંથી મોટાભાગે પોલીસ વિભાગમાં ફરજ
બજાવે છે. વસાહતમાં ટેરેસના દરવાજા ખુલ્લા રહેતા હોવાથી ટોળકી ધાબા ઉપરથી પ્રવેશ
કરતી હોવાનો અંદાજ પણ સ્થાનિકો લગાવી રહ્યા છે. એટલુ જ નહીં, ઘણા સમયથી
સીસીટીવી ફીટ કરવા માટેની મથામણ થઇ રહી છે પરંતુ વસાહતીઓના સંકલનના અભાવે કામ આગળ
ધપી શક્તું નથી.