ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાંચે એક મોટી સફળતા મેળવી છે. કલોલ શહેર પોલીસ મથકમાં નોંધાયેલા વાહન ચોરીના કેસમાં છેલ્લા 16 વર્ષથી ફરાર આરોપીને પકડવામાં સફળતા મળી છે. આરોપી વિરીયા ઉર્ફે બીરલાક લાદુરામ બિશ્નોઇને રાજસ્થાનના સાંચોર ખાતેથી ઝડપી લેવામાં આવ્યો છે.
.
ગાંધીનગર જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમસેટ્ટીના માર્ગદર્શન હેઠળ, જિલ્લામાં ધાડ, લૂંટ, ચોરી અને ઘરફોડ જેવા ગંભીર ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને પકડવા વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. એલસીબીના પીઆઈ દિવાનસિંહ વાળાની ટીમે હ્યુમન અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આ કામગીરી અંજામ આપી છે.
બાતમીદારો મારફતે માહિતી મળી હતી કે આરોપી તેના વતન સાંચોરમાં છુપાયેલો છે. એલસીબીની ટીમે રાજસ્થાન જઈને સ્થાનિક પોલીસની મદદથી આરોપીને ઝડપી લીધો હતો. આરોપીની ધરપકડ કરીને કલોલ શહેર પોલીસ મથકે લાવવામાં આવ્યો છે, જ્યાં તેની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.