Himmatnagar Viral Video : રાજ્યમાં મારામારી, હત્યા સહિતના ગુનાઓ વધી રહ્યા છે, ત્યારે સાબરકાંઠાના હિંમતનગરમાં યુવકના હાથ બાંધી ઢોર માર મારી રહ્યા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. વાઈરલ વીડિયો મામલે પોલીસે તપાસ કરતાં યુવક હિંમતનગરના આગીયોલ ગામમાં હોવાનું સામે આવ્યું હતું. જ્યારે યુવક માનસિક અસ્થિર હોવાનું અને યુવકનો અવાજ ન ગમતો હોવાથી મહિલા અને પુરુષે માર માર્યો હોવાનું ચોંકાવનારું કારણ જાણવા મળ્યું હતું. સમગ્ર મામલે ગાંભોઈ પોલીસે ગુનો નોંધીને આગળ કાર્યવાહી હાથ ધરી.
માનસિક અસ્થિર યુવકને ઢોર માર માર્યાનો વીડિયો વાઈરલ
ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના આગીયોલ ગામ ખાતે રહેતાં માનસિક અસ્થિર નીતિશ મહેતા નામનો યુવક 15 માર્ચ, 2025ની સાંજે 6 વાગ્યે ઊંચા અવાજે બોલી રહ્યો હતો. આ દરમિયાન રમીલાબહેન નાયી નામની મહિલાએ યુવકને ટોકતા બંને વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારબાદ જયેશ મહેતા નામના વ્યક્તિએ નીતિશના હાથ બાંધી દીધા હતા અને રમીલાબહેન અને જયેશ દ્વારા નીતિશને ઢોર માર માર્યા બાદ મંદિરમાં પુરી દીધો હતો. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો.
આ પણ વાંચો: હિંમતનગરમાં રસ્તો ક્રોસ કરી રહેલા 70 વર્ષીય વૃદ્ધને કારની ટક્કર, ઘટનાસ્થળે મોત
મળતી માહિતી મુજબ, વીડિયોમાં જોવા મળતાં મહિલા અને પુરુષને માનસિક અસ્થિર નીતિશનો કર્કશ અવાજ પસંદ ન હોવાનું સામે આવ્યું હતું. જેમાં નીતિશના અવાજથી પરેશાન મહિલા અને પુરુષે યુવકનો અવાજ બંધ કરાવવા માટે તેને જાહેરમાં ઢોર માર માર્યો હતો. આ મામલે પીડિત યુવકના પિતા કૌશિકભાઈએ ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.