મોરબીમાં એક યુવકની સાળી સાથે છેડતીના મામલે થયેલી હિંસક ઘટના સામે આવી છે. માધાપર શેરી નંબર-3માં રહેતા અજયભાઈ હર્ષદભાઈ વરાણીયા (25) તેમની સાળીની છેડતી કરનાર શખ્સને સમજાવવા ગયા હતા. આ દરમિયાન ચાર શખ્સોએ તેમના પર હુમલો કર્યો હતો.
.
ઘટના દરમિયાન ત્રણ શખ્સોએ અજયભાઈને પકડી રાખ્યા હતા. આ વખતે એક શખ્સે છરી વડે તેમની બેઠક અને હાથના ભાગે હુમલો કર્યો હતો. અજયભાઈને બચાવવા વચ્ચે પડેલા તેમની માતા કુંદનબેનને પણ પગમાં ધોકા વડે મારવામાં આવ્યા હતા. બંને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
અજયભાઈએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અવિનાશ મનાભાઈ કાઠીયા, કપિલ કોળી, લાલી રમેશભાઈ પરેશા અને યસ ભગાભાઈ સથવારા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, અવિનાશે તેમની સાળીની છેડતી કરી હતી. જ્યારે અજયભાઈ સમજાવવા ગયા ત્યારે કપિલ કોળીએ છરી કાઢી હતી. અવિનાશ, લાલી અને યસે અજયભાઈને પકડી રાખ્યા હતા અને કપિલે છરી વડે હુમલો કર્યો હતો. પોલીસે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ માટે કાર્યવાહી શરૂ કરી છે.