આધારકાર્ડ અપડેટ માટેની કીટની વ્યાપક અછત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ ઈ-કે.વાય.સી.ને લગતી કામગીરી ખૂબ ધીમી ગતિથી ચાલી રહી છે. આ વચ્ચે આ માટેની ઓછી કીટથી ચાલતી કામગીરીના કારણે લોકોને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સાથે સાથે લોકોના સમયનો પણ વ્યય થાય
.
આ પરિસ્થિતિમાં જિલ્લાના લોકોને પોતાના કામ ધંધામાં પણ નુકસાની તેમજ હાલાકી વચ્ચે ગરીબ લોકો પોતાની રોજગારી મેળવી શકતા નથી. લોકોની આ પરેશાની અંગે આમ આદમી પાર્ટી દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાની વસ્તીના આધારે આધાર કાર્ડ અપડેટ તેમજ અન્ય વિગતો તેમાં ઉમેરવા માટેની મશીનની કીટ દર પાંચ ગામ દીઠ એક મૂકવામાં આવે તો લોકોનો સમય અને આર્થિક નાણાનો વ્યય વિગેરેમાં ખૂબ રાહત થાય તેમ જણાવી, તંત્ર દ્વારા આ મુદ્દે નક્કર પગલાં લેવામાં આવે તેવી માગ કરી છે.
સલાયામાં પણ છેલ્લા ઘણા સમયથી આધાર કાર્ડની કીટ બંધ છે. શિક્ષણ વિભાગને જે કીટ આપવામાં આવી છે, તેની કામગીરી ફરીથી શરુ કરવામાં આવે, ખાનગી CSCS સી.એસ.સી. સેન્ટરને મજુરી આપવામાં આવે અને નવી કીટની ફાળવણી કરવામાં આવે જેથી આધાર કાર્ડ ની કામગીરી સરળતાથી થઇ શકે, વગેરે બાબતની ખાસ તકેદારી લઈને સમયસર કામગીરી થાય તે જોવા આમ આદમી પાર્ટી દ્વારા માંગણી કરવામાં આવી છે.
બદીયાણી હોસ્પિટલમાં રવિવારે નેત્રયજ્ઞ અને સર્વરોગ નિદાન કેમ્પ ખંભાળિયા નજીકના જામનગર માર્ગ પર આવેલી માનવ સેવા સમિતિ સંચાલિત એલ.પી. બદીયાણી હોસ્પિટલ ખાતે આગામી રવિવાર તા. 24 મીના રોજ સવારે 9થી 11:30 વાગ્યા સુધી વિનામૂલ્યે નેત્ર નિદાન, સારવાર તેમજ દવા વિતરણ અને શસ્ત્રક્રિયા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં રાજકોટની જાણીતી રણછોડદાસ બાપુ ચેરીટેબલ ટ્રસ્ટની આંખની હોસ્પિટલના ડોક્ટરો તેઓની સેવાઓ આપશે. આ સાથે યોજાયેલા સર્વરોગ નિદાન, સારવાર કેમ્પમાં અહીંના ડો. નિલેશભાઈ રાયઠઠ્ઠા દર્દીઓને તપાસી, દવા આપશે. આ સેવા કાર્ય માટે મોહનભાઈ, નિર્મલાબેન નટુભાઈ તથા શરદભાઈ રાજા (યુ.કે.) પરિવારનો આર્થિક સહયોગ સાંપળ્યો છે. આ કેમ્પનો લાભ લેવા ખંભાળિયા તથા આસપાસના વિસ્તારના દર્દીઓને સંસ્થાની એક યાદીમાં જણાવાયું છે.
આવતીકાલથી શ્રીમદ્ ભાગવત સપ્તાહનો પ્રારંભ ખંભાળિયામાં જલારામ ચોક નજીક આવેલી લોહાણા મહાજન વાડી “નંદધામ” ખાતે આવતીકાલે ગુરૂવાર તા. 21 થી તા. 28 નવેમ્બર સુધી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. અહીંના જાણીતા વેપારી સ્વ. મણીલાલ થાવરદાસ ગોકાણી તેમજ સ્વ. ગોદાવરીબેન મણીલાલ ગોકાણી પરિવારના જયેશભાઈ મણીલાલ ગોકાણી તેમજ અશોકકુમાર થાવરદાસ ગોકાણી દ્વારા સર્વ પિતૃઓના મોક્ષાર્થે અત્રે “નંદધામ”, જુની લોહાણા મહાજન વાડી ખાતે ગુરુવાર તા. 21થી તા. 28 નવેમ્બર સુધી યોજવામાં આવેલી ભાગવત સપ્તાહમાં જાણીતા કથાકાર શાસ્ત્રી પૂજ્ય ચંદ્રેશભાઈ શાસ્ત્રીજી (પોરબંદર વાળા) બીરાજીને કથામૃતનું રસપાન કરાવશે.
કથાના પ્રારંભે ગુરુવારે સવારે 10 વાગ્યે અહીંની મહાપ્રભુજીની બેઠકજી ખાતેથી પોથીયાત્રાનો પ્રારંભ થશે. જે બપોરે 12 વાગ્યે કથા સ્થળે પહોંચશે. અહીં પ્રથમ દિવસે સેવાકુંજ હવેલી વાળા પૂજ્ય શ્રી માધવી વહુજી પધારશે. આ દિવસે ગોરણી જમણનું પણ આયોજન થયું છે. જેમાં ગરબીની 300 થી વધુ બાળાઓને પ્રસાદ લેવડાવવાનું આયોજન થયું છે.
ભાગવત કથામાં શુક્રવારે કપિલ પ્રાગટ્ય તેમજ સોમવાર તા. 25ના રોજ સાંજે નૃસિંહ પ્રાગટ્ય, વામન જન્મ, શ્રી રામ પારાયણ અને સાંજે શ્રીકૃષ્ણ જન્મોત્સવ પ્રસંગે પૂ.પા. ગોસ્વામી અભિષેક લાલજી મહારાજ (રાજકોટવાળા) પધારી અને વચનામૃતનું રસપાન કરાવશે. આ પૂર્વે રવિવાર તારીખ 24 મીના રોજ પુષ્ટિમાર્ગીય સત્સંગ સાથે શ્રીનાથજીના દર્શનની ઝાંખીના આયોજનમાં જાણીતા કલાકારો રાજુભાઈ ભટ્ટ, નીરૂબેન દવે, અવધભાઈ ભટ્ટ કલાવૃંદ (જુનાગઢ) દ્વારા ઝાંખીનો કાર્યક્રમ રજૂ કરવામાં આવશે. આ પ્રસંગે દરરોજ સવારે 9:30થી 12:30 તેમજ સાંજે 4થી 7 વાગ્યા સુધી કથા શ્રવણનો લાભ લેવા ધર્મપ્રેમી જનતાને આયોજકો અશોકભાઈ ગોકાણી તેમજ જયેશભાઈ ગોકાણી પરિવાર દ્વારા અપીલ કરવામાં આવી છે.
યોગ પરિવાર દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહનો પ્રારંભ દ્વારકા યોગ પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ્ ભાગવત સપ્તાહનો પ્રારંભ ગઈકાલે શ્રી લોહાણા મહાજનવાડી મનવલ્લભ હોલ ખાતે કથાકાર ગિરધર જોશીના વ્યાસસ્થાને પ્રારંભ થયો હતો. તા.19.11.24 થી તા.25.11.24 સુધીની સાત દિવસની કથામાં કપિલ અવતાર, નરસિંહ અવતાર, વામન અવતાર, રામ અવતાર, શ્રીકૃષ્ણ જન્મોત્સવ, ગોવર્ધન લીલા રુક્ષ્મણી વિવાહ સુદામા ચરિત્ર વગેરે પ્રસંગોનું સંગીતમય શૈલીથી વર્ણન કરી રસપાન કરાવવામાં આવશે. તા.26.11.24ના દિવસે દશાંશ હોમનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
સમગ્ર સપ્તાહ માટે મેનેજમેન્ટ કમિટીમાં ધનાભા જડિયા, સન્નીભાઈ પુરોહિત, રેશ્માબેન ગોકાણી, પન્નાબેન દાસાણી, ગિરધરભાઈ જોશી સહિત પાંચ વ્યક્તિઓની ટીમ બનાવવામાં આવી જેમને અલગ અલગ વિભાગોની કામગીરી સોંપવામાં આવી છે. શ્રીમદ્ ભાગવત સપ્તાહનું પહેલું આમંત્રણ ભગવાન દ્વારકાધીશ જગત મંદિરમાં ઠાકોરજીને આપવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, દ્વારકા યોગ પરિવાર દ્વારા આયોજિત આ કથા યોગ એ જ યોગેશ્વર શીર્ષકથી શરૂ કરવામાં આવી છે.