– ત્વરિત સારવાર મળતા પરિણીતાનો જીવ બચ્યો
– આડા સંબંધ હોવાથી મારે તને નથી રાખવી કહી પતિ ઝઘડાં કરી અવારનવાર ત્રાસ ગુજારતો
નડિયાદ : મહુધા તાલુકાના ફલોલી ગામની પરિણીતાએ તેનો પતિ છૂટાછેડા આપવા દબાણ કરતો હોવાથી મનમાં લાગી આવતા ઝેરી દવા પી લઈ આપઘાતનો પ્રયાસ કર્યો છે. આ બનાવ અંગે મહુધા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
નડિયાદ તાલુકાના હાથનોલીમાં રહેતા રમેશભાઈ જશુભાઈ ચૌહાણની દીકરી કાજલબેનના લગ્ન આઠેક વર્ષ પહેલા મહુધા તાલુકાના ફલોલીમાં રહેતા દશરથભાઈ અર્જુનસિંહ સોઢા સાથે થયા હતા. આ લગ્ન જીવન દરમિયાન પ્રિન્સ (ઉં.વ.૪) દીકરો છે. છતાં છેલ્લા ઘણા સમયથી અન્ય ી સાથે આડા સંબંધ હોવાથી પતિ દશરથભાઈ સોઢા અવારનવાર પત્ની સાથે બોલ ચાલી કરી ત્રાસ ગુજારી છુટાછેડા આપવા દબાણ કરતો હતો. જેથી દિવાળી અગાઉ કાજલબેન પિયરમાં જતા રહ્યા હતા. બાદમાં સમજાવતા કાજલબેન સાસરીમાં પરત આવ્યા હતા. ત્યારે તા.૬/૨/૨૫ની સવારે ચા પાણી કરતા હતા ત્યારે દશરથભાઈએ પત્નીને હું સ્ટેમ્પ લાવું છું, તું મને છુટાછેડા આપી દે મારે તને નથી રાખવી તેમ કહી ગમે તેમ અપશબ્દો બોલી ઝઘડો કર્યો હતો. જેથી કંટાળી ગયેલા કાજલબેન (ઉં.વ.૨૪) મનમાં લાગી આવતા ઘરમાં પડેલી શાકભાજીમાં છાંટવાની જંતુનાશક દવા પી ગયા હતા. આ બનાવની જાણ થતા સસરાએ કાજલબેનને સારવાર માટે કઠલાલ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ત્વરિત સારવાર મળતા પરિણીતા બચી જવા પામી હતી. આ બનાવ અંગે કાજલબેન દશરથભાઈ સોઢાની ફરિયાદના આધારે મહુધા પોલીસે દશરથભાઈ અર્જુનભાઈ સોઢા સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.