રાધનપુર નગરપાલિકાની આગામી ચૂંટણી ફેબ્રુઆરી 2025માં યોજાવા જઈ રહી છે, જેમાં આ વખતે કુલ 37,453 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. 2018ની છેલ્લી ચૂંટણીની સરખામણીમાં 6,004 નવા મતદારોનો ઉમેરો થયો છે, જેમાં 4,000થી વધુ યુવા મતદારોનો સમાવેશ થાય છે.
.
નગરપાલિકામાં કુલ સાત વોર્ડ છે, જ્યાં દરેક વોર્ડમાંથી 4 સભ્યો ચૂંટાશે, એટલે કે કુલ 28 સભ્યોની ચૂંટણી યોજાશે. ફેબ્રુઆરી 2023માં પાલિકાની મુદત પૂરી થયા બાદ એક વર્ષથી વધુ સમય સુધી વહીવટદાર દ્વારા વહીવટ ચલાવવામાં આવ્યો હતો.
મતદારોમાં આ વખતે મોટો બદલાવ જોવા મળી રહ્યો છે. જૂના જોગીઓને બદલે યુવા અને વિકાસશીલ ઉમેદવારોની માંગ વધી રહી છે. અગાઉની ચૂંટણીમાં જીતેલા ઘણા ઉમેદવારો પોતાના વોર્ડમાં દેખાતા ન હોવાની ફરિયાદો સામે આવી છે, જેથી મતદારો આ વખતે આવા ઉમેદવારોને જાકારો આપવાના મૂડમાં છે.
રાધનપુરમાં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન કોંગ્રેસ શાસિત પાલિકા હતી, પરંતુ શહેરની મુખ્ય સમસ્યાઓ જેવી કે વરસાદી પાણીનો નિકાલ, ગટર ઉભરાવાની સમસ્યા અને ભૂગર્ભ ગટરના પ્રશ્નો હજુ પણ યથાવત છે. ખાસ કરીને મેઈન બજાર અને નીચાણવાળા વિસ્તારોમાં સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાઈ જવાની સમસ્યા લોકોને પરેશાન કરી રહી છે.
હાલમાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો દ્વારા ઉમેદવારોની પસંદગી માટે બંધ બારણે બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે. આ ચૂંટણીમાં શહેરની મૂળભૂત સમસ્યાઓના નિરાકરણ અને વિકાસના મુદ્દાઓ ચૂંટણીમાં નિર્ણાયક ભૂમિકા ભજવશે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.